જર્મનીમાં આતંકવાદી હુમલાની શંકા: કારચાલકે ભીડ પર કાર ચઢાવી દેતા એકનું મોત

નવી દિલ્હી : જર્મનીમાં (Germany) બેફામ કાર ચાલકે ભીડ પર કાર ચલાવી દેતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસે સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લીધો છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જર્મનીના મેનહાઇમમાં પૂરઝડપે આવી રહેલી કાર ચાલકે ભીડ પર કાર ફેરવી દેતા નાસભાગ મચી ગઇ અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.
આતંકી હુમલાની આશંકા
મળતી માહિતી મુજબ આ ઘટના મેનહાઇમના પરેડપ્લેટ્ઝમાં બની હતી. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ શંકાસ્પદ વ્યક્તિની કડક પૂછપરછ કરી રહી છે. જર્મન પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને કેસની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.
ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી
જર્મન પોલીસ પ્રવક્તા સ્ટેફન વિલ્હેમે જણાવ્યું હતું કે આ ઘટના મેનહાઇમના પરેડપ્લેટ્ઝ ખાતે રાત્રે 12:15 વાગ્યે બની હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ મેનહાઇમ પોલીસ મુખ્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર આ ઘટના બાદથી મેનહાઇમ શહેરના કેન્દ્રમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસની સાથે એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો
આ ઘટના બાદ, પોલીસે લોકોને સિટી સેન્ટર તરફ જવાનું ટાળવાની અપીલ કરી છે. નવા પોલીસ નિવેદન મુજબ, મેનહાઇમ શહેરમાં પોલીસ દળોની તૈનાતીને કારણે લોકોને અન્ય માર્ગો અપનાવવાનું કહેવામાં આવ્યું છે જેથી તેમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા
જર્મન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ નજીકની તમામ હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી છે. મેનહાઇમ યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાયલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. બાળકો અને પુખ્ત વયના લોકો માટે કુલ 8 ટ્રોમા ટીમો હાજર છે .હોસ્પિટલમાં અગાઉ દાખલ દર્દીઓના ઓપરેશન મુલતવી રાખવામાં આવ્યા છે જેથી ઘાયલોને સારવાર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.