Gaza war: આ તારીખ સુધીમાં યુદ્ધ બંધ થઈ જશે, જો બાઈડને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે કહી મહત્વની વાત
વોશિંગ્ટન: 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયલ સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે, છેલ્લા પાંચ મહિનામાં ગાઝામાં 30 હજારથી વધુ પેલેસ્ટીનિયન નાગરીકોના મોત નીપજ્યા છે, મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ઇઝરાયલની ઘેરાબંધીને કારણે ગાઝામાં ભયંકર માનવ સંકટની પરિસ્થિતિ પેદા થઇ છે. એવામાં અમરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મહત્વની જાહેરાત કરી હતી. જો બાઈડેને આશા વ્યક્ત કરી છે કે આગામી સોમવાર સુધીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે. તેમણે સ્વીકાર્યું કે બંને પક્ષો યુદ્ધવિરામ કરારની નજીક છે.
ગાઝામાં યુદ્ધવિરામના પ્રશ્ન પર જો બિડેને કહ્યું, ‘મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે મને કહ્યું છે કે અમે યુદ્ધવિરામની સમજુતીની નજીક છીએ અને આશા છે કે આવતા સોમવાર સુધીમાં યુદ્ધવિરામ થઈ જશે.’ તેણે એમ પણ કહ્યું કે આ અંગે અંતિમ મંજૂરી મળવાની બાકી છે.
નોંધનીય છે કે, આના એક દિવસ પહેલા વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે, ‘ઇઝરાયેલ, અમેરિકા, ઇજિપ્ત અને કતારના પ્રતિનિધિઓ પેરિસમાં મળ્યા હતા. આ દરમિયાન, હમાસ દ્વારા અસ્થાયી યુદ્ધવિરામના બદલામાં બંધકોને મુક્ત કરવા પર ચારેય પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે.’
અહેવાલ મુજબ, હમાસ અને ઇઝરાયલ એકબીજા સાથે સીધી વાત કરતા નથી, કતાર અને ઇજિપ્ત બંને વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે. હમાસના નેતાઓને રવિવારે સાંજે પેરિસમાં યોજાયેલી મંત્રણા અંગે જાણકારી આપવામાં આવી હતી.