G-7 દેશોએ ઈઝરાયેલને આપ્યું સમર્થન, કહ્યું ઈરાન પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ…

ટોરેન્ટો : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણસે તેવી સ્થિતિ છે. જેમાં ઈરાન દ્વારા ઇઝરાયેલના તેલ અવીવ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાન સામેના યુદ્ધમાં G-7 દેશોએ ખુલ્લે આમ ઈઝરાયલને ટેકો આપ્યો છે. સોમવારે મોડી રાત્રે જાહેર કરાયેલા એક નિવેદનમાં G-7 દેશોએ ઈઝરાયલને ટેકો આપ્યો અને તેના હરીફ ઈરાનને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ ગણાવ્યું.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હવાઈ યુદ્ધ ગયા શુક્રવારે શરૂ થયું
આ નિવેદનમાં પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે અપીલ કરવામાં આવી હતી. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હવાઈ યુદ્ધ ગયા શુક્રવારે શરૂ થયું હતું. જ્યારે ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. આનાથી આ વિસ્તારમાં તણાવ અને ચિંતા વધી ગઈ છે. ઓક્ટોબર 2023માં ગાઝા પર ઈઝરાયલના લશ્કરી હુમલાની શરૂઆતથી અહીં તણાવ હતો.

યુએસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવી
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ G-7 સમિટમાંથી પાછા ફરવાની જાહેરાત સાથે યુએસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાને તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓ પર કરાર પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા, જેનાથી ઇઝરાયલ સાથે મિસાઈલ હુમલાઓ રોકી શકાયા હોત. ટ્રમ્પે લોકોને તેહરાન ખાલી કરવા વિનંતી કરી છે.
તેહરાનમાં એક કરોડ લોકો રહે છે
તેહરાનમાં લગભગ એક કરોડ લોકો રહે છે. ટ્રમ્પની ચેતવણી ત્યાંના સ્થાનિક સમય મુજબ સવારે 2 વાગ્યાની આસપાસ આવી. ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે તે તેહરાન પર આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેણે સોમવારે સંકેત આપ્યો છે કે તે ઈરાની રાજ્ય ટીવી પર બોમ્બમારો કરીને ફક્ત લશ્કરી અથવા પરમાણુ સ્થળો સિવાયને પણ ટાર્ગેટ કરી રહી છે.



