ઇંગ્લેન્ડમાં જીવલેણ હુમલાના આરોપમાં ચાર ભારતીય મૂળના આરોપીઓની ધરપકડ, પોલીસે આ રીતે પકડ્યા

લંડન: ઇંગ્લેન્ડના લૉરહૅમ્પટનમાં ચાર ભારતીય મૂળના લોકોની જીવલેણ હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 6 વાગ્યે બિલસ્ટનના આર્બર ડ્રાઈવ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનો જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઝઘડામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે એક કાર સંપૂર્ણપણે લોહીથી લથબથ હતી.
મળતી વિગતો અનુસાર, પોલીસે આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 3 લોકોને શોધખોળ માટેના શ્વાનોની મદદથી પકડવામાં આવ્યા હતા. આમાંથી બેને જામીન પર છોડી દેવામાં આવ્યા છે, જ્યારે ચાર લોકોની પૂછપરછ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાના આરોપી ચાર લોકોની ઓળખ હરદીપ સિંહ (28), હરપ્રીત સિંહ (25), મુકેશ કુમાર (30) અને લખવિંદર સિંહ (26) તરીકે થઈ છે. આ ચારેયને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને રવિવારે તેમને વૉલ્વરહૅમ્પટન કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ પાસે આ હુમલાનો એક વિડિયો પણ છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં 6 બુકાનીધારી સફેદ રંગની કાર પાસે આવીને હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન તેઓ કારના દરવાજા અને બારીઓ તોડીને ત્રણેય લોકોને બહાર ખેંચીને માર મારતા જોવા મળ્યા હતા.
એક પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ગુનેગારોની વહેલી તકે ધરપકડ કરવા માટે ઘણી ટીમોએ સાથે મળીને કામ કર્યું હતું. અમારી તપાસ ખૂબ જ ઝડપથી આગળ વધી છે અને અત્યાર સુધીની તપાસ બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ એક પૂર્વયોજિત હુમલો હતો. પીડિત લોકોને જૂની અદાવતને કારણે જાણીજોઈને નિશાન બનાવવામાં આવ્યા હતા.