ફોર્બ્સની 40 અંડર 40 અબજોપતિની યાદીમાં નિખિલ કામથ એક માત્ર ભારતીય…

ભારતીય મૂળના ચાર ઉદ્યોગ સાહસિક…
ન્યુજર્સી : ફોર્બ્સની 40 અંડર 40 સ્વ-નિર્મિત અબજોપતિની યાદીમાં ભારતીય ઉદ્યોગ સાહસિક નિખિલકામથનું નામ સામેલ છે. ફોર્બ્સની આ યાદીમાં 40 વર્ષથી ઓછી ઉંમરના એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે નાની ઉંમરે અબજો ડોલરની સંપત્તિ એકત્ર કરી છે. આ યાદીમાં ભારતીય મૂળના ચાર ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે.
ભારતીય નિખિલ કામથ યાદીમાં 20મા ક્રમે 3.3 બિલિયન ડોલરની નેટવર્થ
ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિકોની વાત કરીએ તો તેમાં એક માત્ર ભારતીય નિખિલ કામથના નામનો સમાવેશ થાય છે. તેમની ઉંમર 39 વર્ષની છે. તે 3.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં 20મા ક્રમે છે. નિખિલ કામથ બેંગલુરુ સ્થિત ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ ઝેરોધાના સહ-સ્થાપક અને સીએફઓ છે.

વર્ષ 2010 માં તેમણે તેમના ભાઈ સાથે મળીને ઝેરોધાની સ્થાપના કરી.જે હવે ભારતની સૌથી મોટી બ્રોકરેજ કંપનીઓમાંની એક છે. ફોર્બ્સ અનુસાર, ઝેરોધાનું મૂલ્યાંકન આશરે 8 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. વર્ષ 2024 માં નિખિલ કામથે તેમનું લોકપ્રિય પોડકાસ્ટ, “WTF is?” લોન્ચ કરીને તેમની જાહેર પ્રોફાઇલને વધુ મજબૂત બનાવી હતી.
ન્યૂયોર્કના ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિક અંકુર જૈન 19મા ક્રમે
જયારે આ યાદીમાં ભારતીય મૂળના ન્યૂયોર્ક સ્થિત ઉદ્યોગ સાહસિક 35 વર્ષના અંકુર જૈન 19મા ક્રમે છે. તેમની નેટવર્થ 3.4 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. અંકુર જૈન બિલ્ટ રિવોર્ડ્સના સ્થાપક અને સીઈઓ છે. જે ભાડે રહેનારાને પુરસ્કાર આપતું એક અનોખું પ્લેટફોર્મ છે.

ખાનગી રોકાણકારોના મતે, બિલ્ટનું મૂલ્યાંકન 10.8 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આ અગાઉ અંકુરે હ્યુમિન નામની એક કોમ્યુનિકેશન વ્યવસ્થાપન એપ્લિકેશનની સહ-સ્થાપના કરી હતી. જે 2016 માં ટિન્ડર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. વ્હાર્ટન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકુરને અમેરિકન ટેક ઇકોસિસ્ટમના સૌથી પ્રભાવશાળી યુવા સ્થાપકોમાંના એક માનવામાં આવે છે.

ભારતીય મૂળના બે ઉદ્યોગ સાહસિક આદર્શ હિરેમથ અને સૂર્યા મિધા યાદીમાં 27માં સ્થાને
આ ભારતીય મૂળના અન્ય બે ઉદ્યોગ સાહસિક આદર્શ હિરેમથ અને સૂર્યા મિધા આ બંનેની ઉંમર 22 વર્ષની છે. જેઓ સંયુક્ત રીતે યાદીમાં 27 મા ક્રમે છે. તેઓ વિશ્વના સૌથી નાની ઉંમરના અબજોપતિઓમાંના એક છે. તેમણે વર્ષ 2023 માં શરૂ કરાયેલા મર્કોર નામના AI ભરતી સ્ટાર્ટઅપના સહ-સ્થાપક છે. મર્કોર સિલિકોન વેલીના મુખ્ય AI લેબ્સને તેમના મોડેલોને તાલીમ આપવામાં મદદ કરે છે. તેમની વ્યક્તિગત નેટવર્થ આશરે રૂપિયા 1826 કરોડ હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો…વિશેષઃ કોણ છે ‘ફોર્બ્સ’ મેગેઝિનમાં સ્થાન પામનાર એકમાત્ર આશા કાર્યકર?



