ભારત-સાઉથ આફ્રિકાની ત્રીજી ટી-20માં વરસાદની કેટલી સંભાવના છે? સેન્ચુરિયનમાં ઇતિહાસ કોની પડખે છે?
સેન્ચુરિયનઃ ચાર મૅચની ટી-20 સિરીઝમાં ભારત અને સાઉથ આફ્રિકા 1-1ની બરાબરીમાં છે અને બુધવાર, 13મી નવેમ્બરે (રાત્રે 8.30 વાગ્યાથી) સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાનારી ત્રીજી મૅચ જીતીને બન્ને ટીમ અપરાજિત સરસાઈ લેવા પૂરી કોશિશ કરશે. આ મૅચ પહેલાં સેન્ચુરિયનમાં બુધવારે હવામાન કહેવું રહેશે અને અહીંના મેદાન પરનો ઇતિહાસ કોની પડખે એ વિશે રસપ્રદ અહેવાલો મળ્યા છે.
આ પણ વાંચો : કેપ્ટન રોહિતે ફરી ડૅડી બનવાના ‘અંગત કારણસર’ લીધી રજા!
સેન્ચુરિયનની પિચના ક્યૂરેટરના જણાવ્યા મુજબ બુધવારે મૅચના દિવસે સાંજે વરસાદ પડવાની માત્ર આઠ ટકા સંભાવના છે. એ સિવાય, સાંજે આકાશ સાફ રહેશે. ખાસ કરીને સાંજે પાંચ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા દરમ્યાન જરા પણ વરસાદ પડવાની સંભાવના નથી. એ જોતાં, આ મૅચ પૂરી રમાશે એવું અત્યારે માની શકાય અને ક્રિકેટપ્રેમીઓ આ મૅચનો પૂરો આનંદ માણી શકશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 ટી-20 મુકાબલા થયા છે જેમાંથી 16માં ભારતે અને 12માં સાઉથ આફ્રિકાએ જીત મેળવી છે. એ જોતાં, સાઉથ આફ્રિકા સામે ટી-20માં ભારતનું પલડું ભારે છે.
આ પણ વાંચો : IND Vs SA: ગંભીર અંગે ઈન્ડિયન સ્પિનર વરુણ ચક્રવર્તીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
ભારતીય ટીમ છ વર્ષ પહેલાં (2018માં) સેન્ચુરિયનમાં એકમાત્ર ટી-20 મૅચ રમી છે જેમાં સાઉથ આફ્રિકાએ છ વિકેટે જીત હાંસલ કરી હતી. ત્યારે હિન્રિચ ક્લાસેને 69 રન બનાવ્યા હતા અને યજમાન ટીમને વિજય અપાવવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.