અમેરિકામાં ઇતિહાસમાં પહેલીવાર આ રીતે અપાશે મૃત્યુદંડ, સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ચર્ચા..

અમેરિકામાં નાનીમોટી કાયદાકીય બાબતોને લઇને દરેક રાજ્યના આગવા નિયમો છે, તેમાં કેદીઓને સજા ફટકારવા અંગે પણ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારની સજાની જોગવાઇ છે, અને જે-તે રાજ્યની અદાલત તે નક્કી કરતી હોય છે. અમુક રાજ્યોમાં દેહાંત દંડની સજા પર રોક લગાવવાની માગ ઉઠી છે, અમુક રાજ્યોમાં એ સજા પર રોક લાગી પણ ગઇ છે, જો કે કેટલાક રાજ્યોમાં હજુ પણ એ સજા યથાવત છે.
હવે અમેરિકાના અલાબામા રાજ્યમાં આ મહિનાના અંતમાં એક વ્યક્તિને મોતની સજા આપવામાં આવનાર છે અને આ સજાના પ્રકારના કારણે આખા અમેરિકામાં ચકચાર મચી ગઈ છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત નાઈટ્રોજન ગેસ વડે કેદીને મોત આપવામાં આવશે. આ વ્યક્તિનું નામ કેનેથ સ્મિથ છે.
કેનેથ સ્મિથ એક પાદરીની પત્નીની હત્યાના કેસમાં દોષિત પુરવાર થયો છે. નવાઇની વાત એ છે કે પાદરીએ પોતે જ પોતાની પત્નીની હત્યા માટે કેનેથને સુપારી આપી હતી. વર્ષ 1988ની આ વાત છે. દરીએ કેનેથનો ઉપયોગ ભાડૂતી હત્યારા તરીકે કર્યો હતો અને પોતાની પત્નીની હત્યા બદલ 1000 અમેરિકન ડોલર ચુકવ્યા હતા. કેનેથે ચાકુના ઘા મારીને એલિઝાબેથની હત્યા કરી હતી. જ્યારે પાદરીએ બાદમા આત્મહત્યા કરી લીધી હતી. એ પછી તેની ધરપકડ થઈ હતી અને સ્થાનિક કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 1996માં તેને આજીવાન કારાવાસની સજા થઈ હતી. જોકે જ્યુરીના આ ચુકાદાને જજે નકારી કાઢ્યો હતો.
જો કે સજા ફેડરલ જજે સંભળાવી છે, સ્મિથના વકીલોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ તેના પર પરીક્ષણ કરવાનો પ્રયાસ છે, તેઓ આ સજાને ક્રૂર અને પ્રયોગાત્મક ગણાવીને ટીકા કરી રહ્યા છે. આગળ કાર્યવાહીમાં જો ઉચ્ચ અદાલત દ્વારા સજા યથાવત રાખવામાં આવે, તો અમેરિકામાં નવી પદ્ધતિ હેઠળ આ પ્રથમ મૃત્યુદંડ હશે.
યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા નાઇટ્રોજન દ્વારા મૃત્યુ દંડ પર પ્રતિબંધ મુંકવામાં આવી શકે છે. આ પદ્ધતિમાં શ્વાસમાં લેવાયેલા ઓક્સિજનને નાઇટ્રોજન સાથે બદલવા માટે દોષિતના નાક અને મોં પર માસ્ક મૂકવામાં આવે છે, જેના કારણે તે ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે. અલાબામા ઉપરાંત, મિસિસિપી અને ઓક્લાહોમામાં નાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ રાજ્યએ તેનો ઉપયોગ કર્યો નથી.