ટોક્યિો એરપોર્ટના રનવે પર પ્લેનમાં લાગી ભીષણ આગ, 367 પ્રવાસી સુરક્ષિત
ટોક્યિો: જાપાનના ટોક્યિોના હનેડા એરપોર્ટ પર મંગળવારે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટની અંદર ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્થાનિક મીડિયા દ્વારા સામે આવેલા ફૂટેજમાં પ્લેનની બારીમાંથી અને તેની નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે.
જાપાની ન્યૂઝ એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાયું હોવાની આશંકા છે. તેમાં ઘણા મુસાફરો હતા. અહેવાલો અનુસાર, જેએએલ 516 એરક્રાફ્ટ પેસેન્જર પ્લેન લેન્ડ થયું તે જ સમયે અન્ય વિમાને ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સના વિમાનમાંથી તમામ 367 મુસાફરોને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જાપાની મીડિયા અનુસાર, ફ્લાઈટે હોક્કાઈડોથી ઉડાન ભરી હતી અને હનેડા એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. તે સમયે ત્યાં ઊભા રહેલા કોસ્ટ ગાર્ડના વિમાન સાથે ટકરાતા તેમાં આગ લાગી હતી.
હાલમાં આ અકસ્માત મુદ્દે જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું છે જે વિમાન જેએએલ 516ને અકસ્માત થયો છે, તેમાં પાઈલટ સહિત પાંચ સભ્ય ગુમ છે. ઉપરાંત પાઈલટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.
જાપાનમાં છેલ્લા કેટલાય દાયકાઓમાં કોઈ ગંભીર દુર્ઘટના થઈ નથી. આ અગાઉ જાપાનમાં 1985માં મોટી દુર્ઘટના ઘટી હતી. 1985માં ટોકિયોથી ઓસાકા જઈ રહેલી એક જેએએલ જમ્બો જેટને અકસ્માત નડ્યો હતો, જેમાં 520 પ્રવાસી સાથે પાઈલટનું મોત થયું હતું.