કરોડોની કિંમતના ફ્લેટ અહીં 100 રૂપિયા જેવી નજીવી કિંમતે વેચાયા, કારણ જાણીને થશે આશ્ચર્ય
અનેક લોકો માટે પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન એ સ્વપ્ન સુધી જ સીમિત રહી જતું હોય છે. કેટલાય લોકો ઘર તો ખરીદી લે છે પરંતુ તેના હપતા ભરવામાં તેમની આખી જીંદગી પસાર થઇ જાય છે. જો કે વિશ્વમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં કરોડોની કિંમતના મકાનો ફક્ત 100 રૂપિયા જેવી નજીવી કિંમતે વેચાઇ રહ્યા છે.
ડેલી એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર બ્રિટનમાં એવું થયું છે. અહીં 6.6 કરોડ રૂપિયાના કેટલાક ફ્લેટ ફક્ત 100 રૂપિયામાં વેચવામાં આવ્યા છે. સ્થાનિકો એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેતા થાય એ માટે આવું કરવામાં આવ્યું છે. અહીંના લુઇ ટાઉનમાં હાઇ મેઇન્ટેનન્સ ધરાવતા કોમ્યુનિટી લેન્ડ ટ્રસ્ટના કુલ 11 ફ્લેટ આ પ્રકારે સાવ નજીવી કિંમતમાં વેચવામાં આવ્યા છે. જો કે આ ફ્લેટને ઓપન માર્કેટમાં વેચવામાં નથી આવ્યા, જો એવું કરવામાં આવ્યું હોત તો અહીંના અફોર્ડેબલ હાઉસીંગના નિયમોનું ઉલ્લંઘન થાત, આ ફ્લેટ એક ખાસ પ્રકારની રિ-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ અફોર્ડેબલ હાઉસીંગને વેગ મળે તે માટે વેચવામાં આવ્યા છે. આ એવા ઘર છે જેના માલિકો તેને અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હોય છે તેમજ તેઓ રજાઓ સિવાય તેઓ અહીં રહેતા નથી હોતા.
આ કાઉન્ટીમાં 13 હજારથી વધુ ઘરો સેકંડ હોમ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે એટલે કે ઘરના મૂળ માલિકો અન્ય જગ્યાએ રહેતા હોય છે અને ઘરમાં વર્તમાન સમયમાં અન્ય કોઇ રહેતું હોય છે. આથી આ ફ્લેટના રખરખાવને લગતા ખર્ચથી બચવા તેમજ અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે આ ફ્લેટ રાહત દરે વેચી દેવામાં આવી રહ્યા છે.