મહાસત્તા ‘મહાસંકટ’માંઃ ભીષણ આગ વચ્ચે ‘ફાયરનાડો’નું સંકટ, 24 લોકોના મોત
લોસ એન્જલસઃ અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસમાં જંગલી આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગમાં હજારો ઘરો નાશ પામ્યા છે. તેમ જ અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૧૬ લોકો ગુમ છે. આ આંકડો વધવાની ધારણા છે.
લોસ એન્જલસમાં એક ખતરનાક ચક્રવાત જોવા મળી રહ્યું છે. વાઈરલ વીડિયોમાં શુક્રવારની રાતનો છે, જ્યાં ફાયરનાડો જોવા મળ્યું હતું. ફાયરનાડો શબ્દ ફાયર અને ટોરનાડો મળીને બન્યો છે, જેનો અર્થ છે આગનો ચક્રવાત. જ્યારે ચારે દિશામાંથી ઝડપી હવાને કારણે વેક્યુમ થાય છે, જે શક્તિશાળી બનીને ફંટાય છે. અલબત્ત, આગમાં હવાના અથડામણને કારણે આગનો સ્તંભ જોવા મળ્યો હતો, જે એક ફૂટથી પંદર ફૂટની વચ્ચે જોવા મળી શકે છે.
હવામાન આગાહીકારોએ આ અઠવાડિયે ફરીથી ભારે પવન સાથે ખતરનાક હવામાનની ચેતવણી આપી છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ બુધવાર સુધી ભીષણ આગની સ્થિતિ માટે રેડ ફ્લેગની ચેતવણી જારી કરી છે, જેમાં ૮૦ કિમી પ્રતિ કલાક અને પહાડોમાં ૧૧૩ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
આ પણ વાંચો: Los Angeles fire: વિકરાળ આગ 24 લોકોને ભરખી ગઈ, હજારો લોકો બેઘર, શું હોઈ શકે કારણ…
હવામાનશાસત્રી રિચ થોમ્પસને જણાવ્યું કે મંગળવાર સૌથી ખતરનાક દિવસ હશે. લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની સી. મેરોને જણાવ્યું કે નવા વાવાઝોડાને કારણે ફાટી નીકળેલી આગને કાબુમાં લેવા માટે કર્મચારીઓની મદદ માટે ૭૦ વધારાના પાણીના ટ્રકો પહોંચી ગયા છે.
લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું કે ઇટન ફાયરમાં ૧૨ લોકો ગુમ થયા છે અને પેલિસેડ્સ ફાયરમાં ચાર લોકો ગુમ થયા છે. લુનાએ કહ્યું કે તપાસકર્તાઓ તપાસ કરી રહ્યા છે કે ગુમ થયેલા લોકોમાંથી કેટલાક મૃતકોમાં સામેલ છે કે નહીં.
આ પણ વાંચો: યે આગ કબ બુઝેગી: L.A.Fires ઓલવવા દરિયાઈ પાણી નહીં વાપરવા અમેરિકા લાચાર…
આ દરમિયાન સપ્તાહના અંતે મૃત્યુઆંક વધીને ૨૪ થવા પામ્યો હતો. પેલિસેડ્સ આગના કારણે આઠ અને ઇટન આગના કારણે ૧૬ મૃત્યુ થયા હોવાનું લોસ એન્જલસ કાઉન્ટી કોરોનરના કાર્યાલયે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધવાની શક્યતા છે. કારણ કે મૃતદેહોની શોધખોળ કરતી સ્પેશિયલ ડોગ-સ્ક્વોડની ટીમ સપાટ ભૂપ્રદેશમાં શોધખોળ કરશે. અધિકારીઓએ એક કેન્દ્રની સ્થાપના કરી છે, જ્યાં લોકો ગુમ થયેલા લોકોનો રિપોર્ટ કરી શકે છે.
આ દરમિયાન લોસ એન્જલસ સિટી ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રાઉલીએ લોકોને સળગેલા વિસ્તારોથી દૂર રહેવા વિનંતી કરી છે. તેણે એક બ્રીફિંગમાં જણાવ્યું કે પેલિસેડ્સ વિસ્તારમાં હજુ પણ સક્રિય આગ સળગી રહી છે, જે લોકો માટે અત્યંત જોખમી છે. રાખમાં સીસું, આર્સેનિક, એસ્બેસ્ટસ અને અન્ય હાનિકારક પદાર્થ હોવાની અધિકારીઓએ ચેતવણી આપી છે.
લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લુનાએ કહ્યું કે કાઉન્ટીમાં લગભગ ૧,૫૦,૦૦૦ લોકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાંથી ૭૦૦થી વધુ લોકો નવ આશ્રયસ્થાનમાં આશરો લઇ રહ્યા છે. પેલિસેડ્સ આગ પર ૧૧ ટકા અને ઇટનની આગ પર ૨૭ ટકા કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ બંને આગએ લગભગ ૧૫૩ ચોરસ કિમી વિસ્તારને પોતાની ઝપેટમાં લઇ લીધો હતો. એક્યુવેધરના પ્રારંભિક અંદાજ મુજબ અત્યાર સુધીમાં ૧૩૫ થી ૧૫૦ બિલિયન અમેરિકન ડોલર વચ્ચે નુકસાન થયાનું જાણવા મળે છે.