ન્યૂ ઓર્લિયન્સમાં હુમલો કરનાર શખ્સ અંગે FBIએ કર્યા મોટા ખુલાસા
વોશિંગ્ટન: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નાવ વર્ષની ઉજવણી માતમમાં (New Orleans truck attack) ફેરવાઈ ગઈ હતી, એક ISIS સમર્થક શખ્સે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટ્રક નીચે કચડી નાખ્યા હતાં, જેમાં 14 લોકોના મોત થયા. પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો. આ ઘટનાની તપાસ કરી રહેલી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક આતંકવાદી ઘટના હતી, જેની ઈસ્લામિક સ્ટેટ જૂથનો હાથ છે.
ISIS સાથે સંબંધ:
એજન્સીએ એ પણ ખુલાસો કર્યો છે કે આ ઘટનાને અંજામ આપનાર શખ્સ શમસુદ્દીન જબ્બાર એકલો હતો. અગાઉ એજન્સીએ કહ્યું હતું કે આ ઘટનામાં જબ્બાર સાથે અન્ય કેટલાક લોકો પણ હોઈ શકે છે. જબ્બાર ટેક્સાસનો અમેરિકન નાગરિક છે અને યુએસ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યો છે. ઘટનાના કલાકો પહેલા તેણે તેના ફેસબુક પર પાંચ વીડિયો પોસ્ટ કર્યા હતા. આ વીડિયોમાં તેણે ISISને સમર્થન આપવાની વાત કરી હતી. FBIના કાઉન્ટર ટેરરિઝમ ડિવિઝનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રાઈયાએ કહ્યું કે આ એક આતંકવાદી કૃત્ય છે. આ એક ખતરનાક હુમલો હતો અને હુમલાને સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. જબ્બાર 100 ટકા ISISથી પ્રેરિત હતો.
બે બોમ્બ પણ પ્લાન્ટ કર્યા હતાં:
FBIએ એવો પણ ખુલાસો કર્યો છે કે જબ્બરે ઘરે બનાવેલા બે બોમ્બ પણ પ્લાન્ટ કર્યા હતા. આ સિવાય તેની ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટનો કાળો ઝંડો મળી આવ્યો હતો. આ બોમ્બ એટલા માટે લગાવવામાં આવ્યા હતા કે શક્ય તેટલા લોકોને મારી શકાય. સર્ચ દરમિયાન કુલરમાં રાખેલા બે IED બોમ્બ પણ મળી આવ્યા હતા. કેટલાક અન્ય ઉપકરણો પણ મળી આવ્યા હતા જે કામ કરતા ન હતા.
Also read: PM મોદીએ ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલાની કરી આકરી નિંદા
FBIની સ્પષ્ટતા:
બોર્બન સ્ટ્રીટ પર બનેલી આ ઘટનામાં 14 લોકો માર્યા ગયા હતા. જબ્બરે ભીડ વચ્ચે પુરપાટ વેગે ટ્રક હંકારી હતી. બાદમાં જબ્બાર પણ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ અકસ્માતમાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે. સાથે સાથે FBIએ સ્પષ્ટતા કરી કે, ન્યૂ ઓર્લિયન્સ હુમલો અને બુધવારે વેગાસમાં ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ વચ્ચે કોઈ સંબંધ નથી. આ બ્લાસ્ટ લાસ વેગાસમાં ટ્રમ્પની હોટલની સામે થયો હતો.
જબ્બારે US આર્મીમાં સેવા આપી હતી:
જબ્બાર 2007માં સેનામાં જોડાયો હતો. તે હ્યુમન રિસોર્સ એન્ડ ઇન્ફોર્મેશન માહિતી ટેકનોલોજી વિભાગમાં 2009 થી 2010 સુધી અફઘાનિસ્તાનમાં તૈનાત હતો. તેણે 2015માં આર્મી રિઝર્વમાં ટ્રાન્સફર કરી અને 2020માં સ્ટાફ સાર્જન્ટના રેન્ક સાથે સેવા છોડી દીધી. અમેરિકન આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, જબ્બાર વર્ષ 2023માં ઇજિપ્ત ગયો હતો. આ દરમિયાન તેઓ એક અઠવાડિયા સુધી કૈરોમાં રહ્યો. અમેરિકા પરત ફરતા પહેલા તે ત્રણ દિવસ માટે કેનેડાના ટોરોન્ટો પણ ગયો હતો. જો કે તેની કેનેડા વિઝીટનો હેતુ શું હતો તે અંગે માહિતી મળી શકી નથી.