અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ઈરાનના બંદર અબ્બાસ પર વિસ્ફોટ, એકનું મોત 14 લોકો ઘાયલ

તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના દક્ષિણમાં બંદર અબ્બાસ પર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 14 લોકો ઘાયલ થયા છે. જોકે, આ હુમલો કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઈરાનના મીડિયાએ જણાવ્યું હતું કે વિસ્ફોટની તપાસ ચાલી રહી છે. પરંતુ વધુ વિગતો પ્રકાશમાં આવી નથી. તેમજ ઈરાની અધિકારીઓએ પણ આ અંગે હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી.
બંદર અબ્બાસ હોર્મુઝ સ્ટ્રેટ પર સ્થિત
ઉલ્લેખનીય છે કે, બંદર અબ્બાસ હોર્મુઝ સ્ટ્રેટ પર સ્થિત છે. જે ઈરાન અને ઓમાન વચ્ચે એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. સમુદ્ર દ્વારા મોકલવામાં આવતા વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ આ બંદરમાંથી પસાર થાય છે. ઇરાનમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના સમયે આ વિસ્ફોટ થયો છે.
આ પણ વાંચો : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ઇરાને અમેરિકન યુદ્ધ જહાજો પાસે યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી…
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બે દિવસીય નૌકાદળના યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી
આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં એક તરફ અમેરિકા ઈરાન પર સતત હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે હવે ઇરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમજ અમેરિક યુદ્ધ જહાજો પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં બે દિવસીય નૌકાદળના યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી છે. આ પૂર્વે પણ ઇરાને અમેરિકાને ચેતવણી આપી હતી કે ઈરાન પર હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ઈરાને 12 દિવસના યુદ્ધે લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવી
આ પૂર્વે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેમનો દેશ વાજબી અને ન્યાયી વાટાઘાટો માટે તૈયાર છે. પરંતુ ટ્રમ્પની મુખ્ય માંગણીઓને નકારી કાઢી હતી. અરાઘચીએ કહ્યું હતું કે સંરક્ષણ વ્યૂહરચના અને મિસાઈલ સિસ્ટમ ક્યારેય વાટાઘાટોનો વિષય રહેશે નહીં.ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે તાજેતરના 12 દિવસના યુદ્ધે તેની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવી છે.



