પૂર્વ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની ફેક્ટરીમાં વિસ્ફોટઃ બોઇલરમાં થયેલા ધડાકામાં 15નાં મોત

લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ફૈસલાબાદ શહેરમાં એક ફેક્ટરીની અંદર ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 15 લોકોનાં કરૂણ મોત થયા છે. વિસ્ફોટમાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી, તે ઉપરાંત આસપાસના અનેક ઘરોના છાપરાં પણ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે જાનહાનિનો આંકડો વધ્યો છે.
પ્રાથમિક અહેવાલોમાં, રેસ્ક્યુ ટીમે જણાવ્યું હતું કે આ ઘટના વહેલી સવારે થઈ જ્યારે ફેક્ટરીનું બોઈલર ફાટ્યું હતું, જેના કારણે આસપાસની ઇમારતો ધસી પડી હતી. જોકે, બાદમાં તપાસ ટીમે વિસ્ફોટનું ચોક્કસ કારણ ગેસ લીક હોવાનું જણાવ્યું હતું.
ફૈસલાબાદના કમિશનરની ઑફિસ દ્વારા પણ આ જ કારણની પુષ્ટિ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 10 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે. આ ગંભીર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પાંચ સભ્યોની એક તપાસ ટુકડીની રચના કરવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરશે.
આ દુર્ઘટના પર પંજાબના મુખ્ય પ્રધાન અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે ગહન દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃત્યુ પામેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ફૈસલાબાદના કમિશનર પાસેથી સમગ્ર ઘટના અંગે તાત્કાલિક વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે.
આપણ વાંચો: પાકિસ્તાનને ચીન કરી રહ્યું છે સબમરીન સપ્લાય! ભારતીય નેવીએ કર્યો સનસનીખેજ ખુલાસો



