મેડમ તુસાદ મ્યુઝિયમમાં બાબા રામદેવની એન્ટ્રી! ફેબ્રુઆરીમાં મુકાશે મીણનું પૂતળું

નવી દિલ્હી: ન્યુયોર્કના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં બાબા રામદેવનું પૂતળું મુકાશે. યોગગુરૂ બાબા રામદેવ પહેલા એવા ભારતીય સંન્યાસી હશે કે જેમનું મીણનું પૂતળું મેડમ તુસાદ જેવા પ્રતિષ્ઠિત મ્યુઝિયમમાં મુકાઇ રહ્યું છે. તેમની મીણની પ્રતિકૃતિ બનીને તૈયાર પણ થઇ ચુકી છે જે હાલમાં દિલ્હીમાં છે. બાબા રામદેવના આ મીણના પૂતળાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
અનાવરણ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેમની સાથે આચાર્ય બાલકૃષ્ણ પણ જોવા મળી રહ્યા છે. બાબા રામદેવે પોતાના હાથેથી પોતાના જ પૂતળાના કપાળ પર કુમકુમ તિલક પણ કર્યું હતું. મીણની તેમની આ પ્રતિમામાં તેઓ ઉભા છે અને વૃક્ષાસન યોગમુદ્રામાં છે.
મીડિયા અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ બાબા રામદેવનું પૂતળું બનાવવાની કામગીરીમાં 200થી વધુ શિલ્પકારો જોડાયા હતા. બાબા રામદેવે શિલ્પકારોની મહેનતને બિરદાવતા કહ્યું હતું કે શિલ્પમાં મારા શરીર પરનો એક જખમ પણ કંડારવામાં આવ્યો છે, જે મને આઠ વર્ષની ઉંમરમાં વાગ્યો હતો. વિશ્વભરના લોકો આ મહેનતમાંથી ઘણું શીખી શકે એમ છે. સિંગાપુરથી અનેક શિલ્પકારો સતત અહીં આવતા હતા અને તપાસ કરતા હતા કે મારા રંગમાં તથા આકારમાં કોઇ ફેરફારો તો નથી થયા, તેવું બાબા રામદેવે જણાવ્યું હતું.
માણસના ચરિત્રમાંથી પ્રેરણા લેવી જોઇએ અને તેના ચરિત્રની જ પૂજા થવી જોઇએ. એક સંન્યાસીના પૂતળાને વિશ્વના સૌથી વિશાળ મીણની પ્રતિમાઓના મ્યુઝિયમમાં સ્થાન મળ્યું એ ભારત માટે ગર્વની વાત છે. આ સંકેત છે કે આવનારો સમય ભારતનો છે, તેવું બાબા રામદેવે જણાવ્યું હતું.