ઇન્ટરનેશનલ

ભારત હવે કોઈની જાગીર કે દાસ નથી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો અમેરિકાને મજબૂત સંકેત…

નવી દિલ્હી: અમેરિકાની આક્રમક આંતરરાષ્ટ્રીય નીતિઓ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની સ્વાયત્તતાનું સમર્થન કર્યું છે. પેરિસમાં ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત હવે કોઈની જાગીર કે દાસ બની શકે તેમ નથી. તેમણે એમ પણ કહેલું કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતા સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી કરવા તૈયાર નથી. ઈમેન્યુઅલ મેક્રોન આવતા મહિને જ ભારતની મુલાકાતે પણ આવવાના છે.

વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ટ્રમ્પની કડક ટેરિફ નીતિઓ વચ્ચે ભારતે જે મક્કમ સ્ટેન્ડ લીધું છે, તેની ફ્રાન્સે ખુલ્લા મને પ્રશંસા કરી છે. મેક્રોને સંકેત આપ્યો કે ભારતની વૈશ્વિક સ્વીકાર્યતા સતત વધી રહી છે. અત્રે નોંધવું રહ્યું કે, જ્યારે અમેરિકાએ પોતાને 66 જેટલા આંતરરાષ્ટ્રીય સંગઠનોથી અલગ કરી લીધું છે, ત્યારે ભારતે ‘ગ્લોબલ સાઉથ’ના નેતૃત્વમાં પોતાની ભૂમિકા મજબૂત કરી છે. આવતા મહિને દિલ્હીમાં યોજાનારી ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ’માં મેક્રોન ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ અને કેનેડાના વડાપ્રધાન પણ હાજરી આપવાના છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે પેરિસમાં ફ્રાન્સના વિદેશ પ્રધાન અને અન્ય યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે પોલેન્ડ અને જર્મનીના નેતાઓ સાથે પ્રથમ ‘ભારત-વેઈમર ફોર્મેટ’ બેઠકમાં પણ ભાગ લીધો હતો, જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને યુક્રેન સંઘર્ષ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત અને યુરોપના સંબંધો હવે આગલા સ્તર પર પહોંચવા માટે તૈયાર છે. આ મુલાકાત દરમિયાન મેક્રોને પ્રોટોકોલ તોડીને જયશંકરનું સ્વાગત કર્યું હતું. જે એ વાતનો સંકેત છે કે બદલાઈ રહેલા સમયમાં યુરોપ હવે ભારતના મહત્વને સારી રીતે સમજી રહ્યું છે.

આ પણ વાંચો…વેનેઝુએલા સંકટ પર ભારતનું મહત્વનું નિવેદન: “પરિસ્થિતિ ચિંતાજનક છે, સંવાદ દ્વારા શાંતિપૂર્ણ સમાધાન લાવો”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button