Elon muskએ કરી ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા; અમેરિકા પર કર્યો કટાક્ષ

દેશમાં ચૂંટણી પરિણામોના માહોલ વચ્ચે વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલીના વખાણ કર્યા છે અને સાથે જ અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાને પણ આડે હાથ લીધી છે. હકીકતે સોશિયલ મીડિયા પર એક યૂઝરે પોસ્ટ કરી હતી, જેમાં એક લેખનું હેડલાઈન પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે ‘ભારતે એક દિવસમાં 64 કરોડ મતોની ગણતરી.”
એલન મસ્કે કરી ટિપ્પણી
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટની પ્રતિક્રિયા આપતા એલન મસ્કે લખ્યું કે ‘ભારતમાં એક દિવસમાં 64 કરોડ મતોની ગણતરી થઈ અને કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલી રહી છે.’ અન્ય એક યુઝરે ભારતમાં એક દિવસમાં 64 કરોડ મતોની ગણતરીની વાત પણ કરી અને નિરાશા વ્યક્ત કરી કે અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં ચૂંટણીને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે. આ પોસ્ટ પર પણ પ્રતિક્રિયા આપતા મસ્કે તેને ‘દુઃખ’ ગણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીની વાત
ઉલ્લેખનીય છે કે જે આર્ટીકલ પર એલન મસ્કે પ્રતિક્રિયા આપી હતી તેમાં થોડા મહિના પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ હતો. લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 90 કરોડ મતદારો છે અને લગભગ 64 કરોડ લોકોએ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ભારતની ચૂંટણી એ વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ તે એક ચમત્કાર છે.
કેલિફોર્નિયામાં હજુ મતગણતરી બાકી
નોંધનીય છે કે કેલિફોર્નિયામાં હજુ ત્રણ લાખથી વધુ બેલેટ પેપરની ગણતરી બાકી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. કેલિફોર્નિયામાં 39 મિલિયન રહેવાસીઓ છે અને તેમાંથી 16 મિલિયન લોકોએ મતદાન કર્યું છે. આમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ટપાલ દ્વારા મતદાન કર્યું હતું. જેના કારણે કેલિફોર્નિયામાં હજુ પણ મતગણતરી ચાલુ છે. અગાઉ છેલ્લી 2020ની ચૂંટણીમાં પણ કેલિફોર્નિયામાં મતોની ગણતરીમાં કેટલાંક અઠવાડિયા લાગ્યા હતા.