ટ્રમ્પ તો ટ્રમ્પ ઈલોન મસ્કના પણ તીખા તેવરઃ અમેરિકન કર્મચારીઓને આપી દીધી આ ચેતાવણી

વૉશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે એક પછી એક સખત નિર્ણયો લઈ જાણે દુનિયાને બાનમાં લીધી છે, પરંતુ તેમના સાથી ઈલોન મસ્ક પણ એટલા જ કડક મિજાજી હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રમ્પે મસ્કને અમેરિકન સરકાર ખર્ચ ઓછો કરે અને પૈસા ન વેડાફાઈ તે માટેની યોજના બનાવી પગલાં લેવાનું કામ સોંપ્યું છે. ટ્રમ્પના સલાહકાર મસ્કે પોતાના કામને ગંભીરતાથી લીધું હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં જ મસ્કે ફરમાન કર્યું છે કે અમેરિકન સરકારમાં કામ કરતા તમામે પોતાના અઠવાડિયાના કામકાજનો વિસ્તૃત અહેવાલ આપવાનો રહેશે. જો તેઓ નહીં આપે તો નોકરી પણ જઈ શકે છે. મસ્કે પોતાની જ કંપની એક્સ (ટ્વીટર) પર આ વાત કહી છે.
Also read: Starlinkને લાઇસન્સ મળશે! ઈલોન મસ્કની ભારત મુલાકાત પહેલા કેદ્ર સરકાર હરકતમાં
તેણે પોસ્ટ કરી છે કે દર અઠવાડિયે કર્મચારીઓને ઈમેલ મોકલવામાં આવશે અને તેમના કામનો રિપોર્ટ માગવામાં આવશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે કે તેમનું કામ સંતોષજનક નહીં લાગે તો તેમની નોકરી જશે. જોકે મસ્કની પોસ્ટમાં બીજું કઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પણ તેઓ હવે કમર્ચારીઓ પર બાજ નજર રાખશે તે નક્કી છે. અગાઉ તેમણે સંરક્ષણ ખાતાને પાંચ ટકા સ્ટાફ કપાતનો પણ આદેશ આપ્યો હતો. તે પહેલા પણ ટ્રેનિંગ પિરિયડ પર હતા તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. ટ્રમ્પે ઈલોનના કામના વખાણ કર્યા હતા અને તેમને વધુ આક્રમકતાથી કામ કરવા પણ કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આપણે અમેરિકાને વધારે મહાન દેશ બનાવવાનો છે. જોકે ટ્રમ્પના અમુક નિર્ણયો વિવાદોમાં પણ રહ્યા છે.