ઈલોન મસ્કને મળી વધુ એક સફળતા, સ્ટારશિપ વર્ઝન 2 રોકેટનું સફળ પરીક્ષણ

મેક્સિકો : ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સને એક વધુ સફળતા મળી છે. જેમાં સ્પેસએક્સે 13 ઓક્ટોબરના રોજ સ્ટારશિપ વર્ઝન 2 રોકેટનું 11 મું અને અંતિમ પરીક્ષણ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ ઉડાન લગભગ એક કલાક સુધી ચાલી અને તેના તમામ ટાર્ગેટ પૂર્ણ કર્યા હતા.
મેક્સિકોની ખાડીમાં સુરક્ષિત લેન્ડિંગ
આ અંગે મળતી માહિતી મુજબ ટેક્સાસના સ્ટારબેસ સેન્ટર પર લોન્ચ થયેલા મિશન દરમિયાન સુપર હેવી બુસ્ટરે ઉડાનના 10 મિનીટ બાદ મેક્સિકોની ખાડીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. સ્ટારશિપ વર્ઝને અંતરિક્ષમાં ડમી
સ્ટારલિંક સેટેલાઈટ છોડ્યા હતા અને એન્જિનને પુન: શરુ કરવાનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે ચંદ્ર અને મંગળ મિશન માટે ખુબ જરૂરી છે.
હિન્દ મહાસાગરમાં સુરક્ષિત સ્પેલશડાઉન કર્યું
આ રોકેટ જયારે પૃથ્વી પર પરત ફર્યું ત્યારે વાયુમંડળમાં ગરમીનો સામનો કરતા હિન્દ મહાસાગરમાં સુરક્ષિત સ્પેલશડાઉન કર્યું હતું. તેમજ કંપનીએ જણાવ્યું છે કે આ મિશનનો ડેટા મળ્યો છે. જે આગામી મોડેલને વધુ સારું બનાવવા માટે કામ આવશે.
સ્ટારશિપ વર્ઝન 3 લોન્ચ કરવાની તૈયારી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે આ વર્ષે સ્ટારશિપે અનેક પરીક્ષણ કર્યા હતા જે નિષ્ફળ ગયા હતા. પરંતુ સતત બીજી સફળતાએ ટીમના મનોબળને મજબૂત કર્યું છે. જયારે કંપની હવે સ્ટારશિપ વર્ઝન 3 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જે પહેલાના વર્ઝન કરતા વધુ શક્તિશાળી હશે.
ફ્યુચર સ્ટારશિપ વર્ષ 2027માં લોન્ચ કરાશે
સ્ટારશિપ વર્ઝન 3 આશરે 408 ફૂટ ઊંચું હશે. જ્યારે ઈલોન મસ્કે મે 2025ના પ્રેઝન્ટેશનમાં પ્રદર્શિત કરેલું “ફ્યુચર સ્ટારશિપ” જમીનથી 466 ફૂટ ઉપર હશે. આ ફ્યુચર સ્ટારશીપ વર્ઝન 4 હોવાનું માનવામાં આવે છે. જે મસ્ક વર્ષ 2027 માં લોન્ચ કરે તેવી સંભાવના છે.
માનવને ફરી ચંદ્ર પર મોકલવાની યોજના
સ્પેસએક્સ નાસાના આર્ટેમિસ પ્રોગ્રામ માટે પણ આ રોકેટ તૈયાર કરી રહ્યું છે. જે વર્ષ 2027 સુધીમાં માનવને ફરી ચંદ્ર મોકલવાની યોજના ધરાવે છે. આ મિશનને કંપનીના મંગળ મિશન તરફ એક મોટું પગલું પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો…ઈલોન મસ્કની નેટ વર્થ $500 બિલિયનને પાર; આટલા વર્ષમાં બની શકે છે પ્રથમ ટ્રિલિયનર



