રોમની કોર્ટે મેલોની સરકારને ફટકાર લગાવી તો ઈલોન મસ્કે કર્યો બચાવ, ઇટાલીનું રાજકારણ ગરમાયું

રોમ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું હતું. યુએસ ચૂંટણી પત્ય બાદ હવે ઇલોન મસ્કે ઈટાલીના રાજકારણ પર પણ ટીપ્પણી (Elon Musk’s comment on Italy) કરી છે. રોમના ન્યાયાધીશોએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Georgia Meloni) સરકારી નીતિ પર રોક લગાવી હતી, ઈલોન મસ્કે કોર્ટના નિર્ણયની ટીકા કરી હતી.
મેલોની સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અને દક્ષિણ પૂર્વ યુરોપમાં અલ્બેનિયામાં અટકાયત કેન્દ્રમાં મોકલવામાં નીતિ બનાવી હતી. ઈલોન મસ્કની ટીપ્પણી બાદ ઈટાલીમાં ખળભળાટ મચી ગયો છે. ઇટાલિયન રાષ્ટ્રપતિ સેર્ગીયો મેટારેલાએ એલોન મસ્કને ઇટાલિયન રાજકારણમાં દખલ ન કરવા કહ્યું.
મસ્કે શું કહ્યું?
ઇલોન મસ્કે ઇટાલિયન ન્યાયાધીશોની ટીકા કરતા કહ્યું કે ન્યાયાધીશોએ દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના પગલાનો વિરોધ ન કરવો જોઇએ. ઇલોન મસ્કે કહ્યું હતું કે, રોમના ન્યાયાધીશો, જેઓ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંને રોકી રહ્યા છે, તેમને બહારનો રસ્તો બતાવવો જોઈએ. ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીની યોજના 30 હજાર માઈગ્રન્ટ્સને અલ્બેનિયાના કેમ્પમાં રાખવાની હતી.
રાષ્ટ્રપતિ મટ્ટારેલાએ માસ્કને આપ્યો જવાબ:
ઈલોન મસ્કના નિવેદન બાદ ઈટાલીના રાષ્ટ્રપતિ મટ્ટારેલાએ રાજનીતિમાં હસ્તક્ષેપ ન કરવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ઇટાલી એક મહાન લોકશાહી દેશ છે અને પોતાની સંભાળ કેવી રીતે રાખવી તે જાણે છે.
ઇટાલીમાં રાજકીય તણાવ:
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માંગતા હતા, પરંતુ ન્યાયાધીશોએ તેમના પગલાની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. ઈટાલીના રાષ્ટ્રપતિએ જે રીતે મસ્કને ફટકાર લગાવી તેનાથી તણાવ વધુ વધવાની શક્યતા છે.
ઇટાલીમાં સત્તાધારી ગઠબંધન અને ન્યાયતંત્ર વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈલોન મસ્ક ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના સારા મિત્ર છે. ઘણી વખત બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ સામે આવી છે. દરમિયાન, ઇલોન મસ્કે મિત્ર મેલોની ખાતર ઇટાલીના આંતરિક મામલામાં દખલ કરી.
મેલોની સરકારને મોટો ફટકો:
ઇટાલીની રાષ્ટ્રીય નીતિઓને EU કાયદા સાથે જોડવાની ચર્ચાએ દેશમાં જોર પકડ્યું છે. રોમ કોર્ટના ઇમિગ્રેશન યુનિટે આ કેસને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ)ને રિફર કર્યો છે. આ સાથે, ઇમિગ્રન્ટ્સની અટકાયત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જ્યાં સુધી યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ નિર્ણય ન લે ત્યાં સુધી ઇમિગ્રન્ટ્સના મૂળ દેશના સંબંધમાં ઇટાલિયન નીતિ પર EUનો કાયદો માન્ય છે કે નહીં.
શું હતી મેલોનીની યોજના:
2023 માં અલ્બેનિયન વડા પ્રધાન એડી રામા સાથે સંધી કરીને મેલોનીએ 30,000 ઇમિગ્રન્ટ્સને તેમની આશ્રય અરજીઓ પર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી અલ્બેનિયન કેન્દ્રોમાં અટકાયતમાં રાખવાની યોજના બનાવી હતી.