“શા માટે કોઇ બાઇડેન અને કમલા હેરિસની હત્યાનો…. ” આ શું બોલી ગયા એલોન મસ્ક

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર બે મહિનામાં બીજા ઘાતક હુમલા બાદ ટેક અબજોપતિ એલોન મસ્કે એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે અને સવાલ ઉઠાવ્યો છે કે શા માટે કોઈ બાઇડેન અને કમલા હેરિસને મારવાનો પ્રયાસ નથી કરી રહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના બીજા પ્રયાસ બાદ યુએસ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ એફબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. એજન્સીએ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેનો હેતુ હજુ સુધી જાણવા મળ્યો નથી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ પણ છે. એવા અહેવાલો છે કે આરોપી યુક્રેન તરફી છે અને ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન કરે છે.
આ સમગ્ર ઘટના વચ્ચે ટેક બિલિયોનેર એલોન મસ્કે પોતાની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટથી સનસનાટી મચાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના કથિત હત્યાના પ્રયાસની ઘટના પર પ્રતિક્રિયા આપતા તેમણે પૂછ્યું હતું કે શા માટે માત્ર ટ્રમ્પ પર જ ઘાતક હુમલા કરવામાં આવી રહ્યા છે? શા માટે કોઈ રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. નોંધનીય છે કે આ વર્ષે જુલાઈમાં મસ્કે અમેરિકાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
હકીકતમાં ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ એક નેટિઝને ટ્વિટર પર સવાલ કર્યો હતો કે, “તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને કેમ મારવા માગે છે?” આ સવાલનો જવાબ આપ્તા મસ્કે લખ્યું હતું કે, “અને કોઈ બાઇડેન/કમલાની હત્યા કરવાનો પ્રયાસ પણ કરી રહ્યું નથી.”
રવિવારે બપોરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં પોતાના એક ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબમાં ગોલ્ફ રમી રહ્યા હતા. ત્યારે તેમનાથી 400 કે 500 યાર્ડના અંતરે ધડાધડ ગોળીબાર શરૂ થયો હતો. એ સમયે સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રમ્પને સુરક્ષિત કર્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ઝાડીઓમાં છુપાયો હતો અને તેની એક સુરક્ષાકર્મી સાથે અથડામણ પણ થઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આરોપી તેની એકે-47 રાઈફલ સ્થળ પર જ છોડીને તેની એસયુવીમાં ભાગી રહ્યો હતો, પરંતુ તે પકડાઈ ગયો હતો.
ટ્રમ્પ પર આ હુમલો પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન ગોળી માર્યાના બે મહિના પછી થયો છે. આ હુમલામાં ટ્રમ્પના જમણા કાનમાં ઈજા થઈ હતી. પોતાના સમર્થકોને આપેલા સંદેશમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સુરક્ષિત છે.
આ ઘટના બાદ ટ્રમ્પ કેમ્પેઈનના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચેયુંગે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમની નજીક થયેલા ગોળીબાર બાદ સુરક્ષિત છે. આ સમયે વધુ કોઈ વિગતો નથી.” એફબીઆઈ હત્યાના પ્રયાસ પાછળના હેતુ જાણવા અને ગોલ્ફ ક્લબની અંદર કે બહાર ગોળીબાર થયો હતો તેની તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મારી ચારે બાજુ ગોળી ચલાવવામાં આવી રહી હતી, પરંતુ હું સુરક્ષિત છું અને મને કંઈપણ રોકી શકશે નહીં. હું ક્યારેય આત્મસમર્પણ કરીશ નહીં!”
Also Read –