ઝામ્બિયામાં થઈ ઉત્તરાકાશીવાળીઃ ફસાયેલા 30 મજૂરને બચાવવાના પ્રયાસો
લુસાકા (ઝામ્બિયા): ભારતમાં ઉતરાખંડ સ્થિત ઉત્તરાકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવી લેવામાં આવ્યા પછી હવે ઝામ્બ્યિામાં ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.
ઝામ્બિયાની ખાણમાં દિવસોથી ફસાયેલા ૩૦થી વધુ ખાણિયાઓને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. દેશના તાંબાના ખાણોના પ્રદેશ ચિંગોલા શહેરની નજીક એક ખુલ્લા ખાડામાં ટનલ ખોદતી વખતે ગુરુવારે રાત્રે તેઓ દટાયા હતાં અને ત્યાર બાદ બચાવકર્તાઓ શુક્રવારથી ખાણિયાઓને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે.
ચિંગોલાનાં જિલ્લા કમિશ્નર રાફેલ ચમુપીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૩૬ ખાણિયાઓ ખાણ માલિકની જાણ વિના સેસેલી ખાણમાં ગેરકાયદેસર રીતે તાબુ શોધવા માટે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે ત્રણ અલગ-અલગ ટનલમાં દટાયા આવ્યા હતા.
ઝામ્બિયાના ઉપરાષ્ટ્રપતિ મુતાલે નાલુમંગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવકર્તા હજુ પણ કાટમાળ હટાવી રહ્યા છે અને કેટલાક બચી ગયેલા લોકોને શોધવાની આશામાં ટનલમાંથી પાણી કાઢી રહ્યા છે.
વધુ વરસાદને કારણે બચાવ પ્રયાસો અવરોધાઈ રહ્યા છે અને ત્રણ સ્થળોમાંથી એક જ્યાં બચાવકર્તા કામ કરી રહ્યા હતા તે ખાડો સંપૂર્ણ રીતે પાણી થી ભરાઇ ગયો છે. સેના પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તમામ ખાણિયાઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે અને તેમાંથી સાતના મૃત્યુની પુષ્ટિ થઈ છે. પરંતુ મૃતદેહ કાઢવામાં આવ્યા નથી.
ઝામ્બિયા વિશ્વના ટોચના દસ તાંબાના ઉત્પાદકો દેશમાં સામેલ છે. ચિંગોલા, જે રાજધાની લુસાકાની ઉત્તરે લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે, તેની આસપાસ વિશાળ ખુલ્લા ખાડામાં તાંબાની ખાણો છે. ભારતમાં ઉત્તરકાશીની ટનલમાં 41 મજૂર ફસાયા હતા, પરંતુ 17 દિવસ પછી સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા હતા.