પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ 4.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો…

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. જેમાં સોમવારે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જેના લીધે આ ક્ષેત્રમાં આફ્ટર શોક્સની શક્યતા વધી ગઈ છે.
બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા ભૂકંપ માટે અતિ સંવેદનશીલ
આ ઉપરાંત પાકિસ્તાનમાં શનિવાર અને રવિવારે પણ 4.0 તીવ્રતાના ભૂકંપ અનુભવાયા હતા. પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય દેશોમાંનો એક છે. જ્યાં ઘણા મોટા ફોલ્ટ આવેલા છે. જેમાં બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા પ્રાંતો યુરેશિયન પ્લેટની દક્ષિણ તરફ પર આવેલા છે. જ્યારે સિંધ અને પંજાબ ભારતીય પ્લેટની ઉત્તરપશ્ચિમ તરફ પર આવેલા છે. જેના કારણે તેઓ વારંવાર ભૂકંપથી પ્રભાવિત થાય છે.
સિંધ પ્રાંત ઓછું સંવેદનશીલ
બલુચિસ્તાન અરબી અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચે સક્રિય સીમાની નજીક આવેલું છે. ભારતીય પ્લેટની ઉત્તર પશ્ચિમ તરફ પર સ્થિત પંજાબ પણ ભૂકંપની પ્રવૃત્તિ માટે સંવેદનશીલ છે. જોકે, સિંધ ઓછું સંવેદનશીલ છે. તેના સ્થાનને કારણે હજુ પણ જોખમમાં છે. વર્ષ 1945 માં બલુચિસ્તાનમાં 8. 1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.