ભૂકંપે મ્યાનમાર-થાઈલેન્ડમાં તારાજી સર્જી, ઐતિહાસિક મંદિરો અને બહુમાળી ઈમારતો ધરાશાયી, જુઓ તસવીરો…

બેંગકોક: આજે શુક્રવારે મધ્ય મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે તારાજી સર્જાઈ છે. અહેવાલ મુજબ શુક્રવારે મ્યાનમારમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12.50 વાગ્યે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની થોડી વાર બાદ 6.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

ચાઇના ભૂકંપ કેન્દ્ર (CENC) એ ભૂકંપની તીવ્રતા 7.9 જોવાનું જણાવ્યું. મ્યાનમાર ઉપરાંત, ભૂકંપના આંચકા ઉત્તર થાઇલેન્ડ, ચીનના યુનાન પ્રાંત અને ભારતના કોલકાતા અને મણિપુર સુધી અનુભવાયા હતા.

ભૂકંપને કારને મ્યાનમારના નાયપીડોમાં આવેલી ઘણી ઐતિહાસિક ઇમારતો અને બૌદ્ધ મઠોને ભારે નુકસાન થયું હતું. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: નેપાળમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા; સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ…
થાઇલેન્ડમાં ભૂકંપે તારાજી સર્જી છે. રાજધાની બેંગકોકમાં મેટ્રો અને રેલ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, બેંગકોકના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો છે કારણ કે લોકો સુરક્ષિત સ્થળો તરફ જઈ રહ્યા છે.

બેંગકોકમાં કેટલીક બહુમાળી ઇમારત ધરાશાયી થવાના સમાચાર છે, જ્યાં બચાવ ટીમ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે.

હાલ લોકો ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થયા છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને આફ્ટરશોકસ સાવધ રહેવાની સલાહ આપી છે. પડોશી દેશોમાં પણ ભૂકંપીય પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
મ્યાનમાર અને થાઇલેન્ડ બંનેની સરકારો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. રાહત કાર્ય માટે સ્થાનિક એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી જાનહાનિનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.

ભૂકંપના આંચકા ભારતમાં પણ અનુભવાયા. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને મણિપુરના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત દિલ્હી-એનસીઆર, નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે ભારતમાં કોઈ નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના અહેવાલ અનુસાર, ભૂકંપ 21.93°N અક્ષાંશ અને 96.07°E રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો.
આ પણ વાંચો: “રશિયન રાષ્ટ્રપતિ પુતિન આવશે ભારત….” PM મોદીનાં આમંત્રણનો કર્યો સ્વીકાર