વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટઃ 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીએ કરી અવરજવર
પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાથી 35 અબજ ડોલરનો ખર્ચે બનાવાશે બીજું એરપોર્ટ

દુબઇઃ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વિશ્વના સૌથી વ્યસ્ત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે વર્ષ 2024માં રેકોર્ડ 92.3 મિલિયન મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી, એમ આજે અધિકારીઓએ સૌથી મોટી જાહેરાત કરી હતી. આ પરિણામ દુબઈ કોરોના મહામારીમાંથી બહાર નીકળી ગયુ હોવાની વાત સાબિત કરે છે. પ્રથમવાર 2018માં બનાવવામાં આવેલા અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.
નવા એરપોર્ટ માટે અબજો ડોલર ખર્ચાશે
આજે એરપોર્ટમાં વિમાનોની ઉડાણ અને મુસાફરોની સંખ્યામાં ખૂબ વધારો થઇ રહ્યો છે. આ જ કારણ છે કે અધિકારીઓ લગભગ 35 અબજ ડોલરના ખર્ચે આગામી 10 વર્ષમાં શહેરમાં બીજા ઇન્ટરનેશનલ એરપોર્ટને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

કોરોના મહામારી પૂર્વે સૌથી વ્યસ્ત હતું
દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ આંકડાઓ જાહેર કર્યા હતા. 2023માં ડીએસબીના રૂપમાં જાણીતા એરપોર્ટમાં 86.9 મિલિયન મુસાફરો નોંધાયા હતા. જ્યારે 2018માં 89.1 મિલિયન મુસાફરો નોંધાયા હતા, જે કોરોના મહામારી પહેલા સૌથી વધુ વ્યસ્ત વર્ષ હતું.
આ પણ વાંચો : બેંક એકાઉન્ટ વેચવાના કૌભાંડનો આરોપી દુબઇ ભાગે તે પહેલા મુંબઈ એરપોર્ટથી ધરપકડ
વધતા ટ્રાફિકની સમસ્યાથી પરેશાની વધી
2022માં 66 મિલિયન મુસાફરોએ અવરજવર કરી હતી. રિયલ એસ્ટેટમાં ઉછાળો અને શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ પ્રવાસીઓએ દુબઇને વ્યસ્ત શહેર બનાવી દીધું છે. જોકે શહેરમાં હવે વધતા ટ્રાફિક અને ખર્ચનો સામનો કરી રહ્યુ છે, જે શહેરના નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ પર દબાણ ઉભું કરી રહ્યું છે.

2010માં એક ટર્મિનલથી શરુઆત કરી હતી
10 વર્ષમાં દુબઈ તેના એરપોર્ટના સંચાલનને ડીએક્સબીથી લગભગ 45 કિલોમીટર દૂર અલ મકતૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખસેડવાની યોજના ધરાવે છે. 2010માં એક ટર્મિનલ સાથે કાર્યરત થયેલું એરપોર્ટ કોરોના મહામારી દરમિયાન અમીરાતના ડબલ-ડેકર એરબસ એ380 અને અન્ય વિમાનો માટે પાર્કિંગ લોટ તરીકે સેવા આપતું હતું. પરંતુ ત્યારથી તે ધીમે ધીમે કાર્ગો અને ખાનગી ફ્લાઇટ્સ સાથે જીવંત બન્યું છે.