ન્યૂ યોર્કમાં દર વર્ષે 14 એપ્રિલે ઉજવાશે આંબેડકર દિવસઃ મેયરની જાહેરાત…

ન્યૂ યોર્કઃ હવે અમેરિકાના ન્યૂ યોર્કમાં દર વર્ષે 14 એપ્રિલના રોજ ડૉ. ભીમરાવ આંબેડકર દિવસ ઉજવવામાં આવશે. આ જાહેરાત ન્યૂ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સે કરી હતી. આ અંતર્ગત શહેરના 85 લાખ રહેવાસી આંબેડકર દિવસની ઉજવણી કરશે. ન્યૂ યોર્ક સિટી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ડૉ. આંબેડકરની 134મી જયંતિના ઉપલબ્ધમાં આયોજિત એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી.
કાર્યક્રમમાં સામેલ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ તેની પ્રશંસા કરી હતી. તેમણે ‘એક્સ’ પર લખ્યું હતું કે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે ન્યૂયોર્કના મેયર ઓફિસ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. બાબાસાહેબના ન્યાય અને સમાનતાના વૈશ્વિક વારસાને સન્માનિત કરવા બદલ મેયર અને ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણનો હૃદયપૂર્વક આભાર.
દિલીપ ચૌહાણે કહ્યું હતું કે ડૉ. આંબેડકરના આદર્શો સીમાઓ અને સમયમાં બંધાયેલા નથી. સંયુક્ત રાષ્ટ્ર અને ન્યૂ યોર્કના હોલમાં તેમના મજબૂત મૂળિયા છે. આ એક એવું શહેર છે જે ઇમિગ્રન્ટ્સ દ્વારા બાંધવામાં આવેલું છે, જે તેની વિવિધતાથી ઊર્જાવાન છે. આ અવસર અને સમાવેશમાં તેની સહિયારી માન્યતા દ્વારા એક થયેલ છે.
ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઇઝનના પ્રમુખ દિલીપ મ્હસ્કેએ જણાવ્યું હતું કે સમાનતા અને નાગરિક અધિકારો માટે વિશ્વના સૌથી પરિવર્તનશીલ ચેમ્પિયનોમાંના એકની ઊંડી સ્વીકૃતિ એ છે કે 14 એપ્રિલને ડૉ. ભીમરાવ આંબેડકર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ ઘોષણાપત્ર ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે લોકશાહી, ગૌરવ, મહિલા સશક્તિકરણ અને ન્યાયને આગળ વધારવામાં ડૉ. આંબેડકરના મહાન વારસાને સ્વીકારે છે. મ્હસ્કેએ એડમ્સનો આભાર માનતા કહ્યું કે આ જાહેરાત પ્રતીકાત્મક કરતાં વધુ હતી. આ એક નૈતિક ઘોષણા છે જે ન્યૂ યોર્કને માનવ અધિકારો અને ન્યાય માટે વૈશ્વિક રાજધાની તરીકે સ્થાપિત કરે છે.
અગાઉ યુએનમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી ડૉ. રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે ડૉ. બીઆર આંબેડકરે જે સિદ્ધાંતો માટે લડ્યા હતા જેમ કે સમાનતા, પ્રતિનિધિત્વ અને માનવ અધિકારો, તે 2030ના સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના સામૂહિક પ્રયાસોમાં વધુ સુસંગત છે.
તેમણે કહ્યું કે ડૉ. આંબેડકરનું જીવન ફક્ત ભારતીય ઇતિહાસનું એક પ્રકરણ નથી. તે સમગ્ર માનવતા માટે એક દીવાદાંડી છે. તેમણે જાતિ, ગરીબી અને વસાહતી જુલમ દ્વારા લાદવામાં આવેલા દરેક અવરોધને પાર કરીને સમાનતા, ગૌરવ અને લોકશાહીના વૈશ્વિક હિમાયતી બન્યા.