ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવી, સાથે બાંગ્લાદેશી હિન્દુઓનો અવાજ ઉઠાવ્યો
વોશિંગ્ટન: યુએસએમાં આજથી 5 દિવસ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન (USA presidential election) થવાનું છે. અગાઉ દિવાળીના અવસર પર યુસ રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સહિત વિવિધ નેતાઓએ ભારતીય અને હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવતા બાંગ્લાદેશી હિંદુઓની સલામતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે બાંગ્લાદેશની અન્ય ધાર્મિક લઘુમતીઓનો પણ અવાજ ઉઠાવ્યો.
ટ્રમ્પે X પર એક પોસ્ટમાં દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે પ્રકાશનો તહેવાર આપણને અનિષ્ટ પર સત્યની જીત તરફ દોરી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે હું બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ આચરવામાં આવેલી બર્બર હિંસાની સખત નિંદા કરું છું. તેમના પર ટોળા દ્વારા હુમલો અને લૂંટ કરવામાં આવી રહી છે, સંપૂર્ણ અરાજકતાની સ્થિતિમાં છે.
ટ્રમ્પે કહ્યું કે મારા જીવનકાળ દરમિયાન આવું ક્યારેય નહીં બન્યું હોય. કમલા હેરિસ અને જો બાઈડેને વિશ્વભરમાં અને અમેરિકામાં હિન્દુઓની ઉપેક્ષા કરી છે.
ટ્રમ્પે કહ્યું કે અમે અમેરિકાને ફરી મજબૂત બનાવીશું અને શકતી દ્વારા શાંતિ પાછી લાવીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું કે અમે કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મ વિરોધી એજન્ડા સામે હિન્દુ અમેરિકનોની પણ સુરક્ષા કરીશું. અમે તમારી આઝાદી માટે લડીશું. ટ્રમ્પે કહ્યું કે મારા પ્રશાસન હેઠળ અમે ભારત અને મારા સારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે પણ અમારી ભાગીદારી મજબૂત કરીશું.
Also Read – એવું તે શું થયું કે અમેરિકન એમ્બેસેડરે કહ્યું તૌબા તૌબા અને એ પણ દિવાળી પર?
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે કમલા હેરિસ તમારા નાના ઉદ્યોગોને વધુ નિયમો અને ઊંચા ટેક્સ સાથે નષ્ટ કરી દેશે. અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું.