ટ્રમ્પનો ફરી ટેરિફ બોમ્બ: જાપાન-દક્ષિણ કોરિયા પર 25% ટેરિફ ઝીંક્યો, ભારત સાથે રાહતની આશા!

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. તેમણે એશિયામાં પોતાના બે મુખ્ય સહયોગી દેશો, જાપાન અને દક્ષિણ કોરિયાથી આયાત થતી વસ્તુઓ પર 25% આયાત શુલ્ક એટલે કે ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય 1 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પગલું બંને દેશો સાથે સતત વધી રહેલા વેપાર અસંતુલનને સુધારવા માટે લેવામાં આવ્યું છે.
જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે બંને દેશોના નેતાઓને સંબોધિત પત્રો ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કર્યા હતા. આ પત્રોમાં બંને દેશોને તેમના પોતાના આયાત કરમાં વધારો કરીને વળતો પ્રહાર ન કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું હતું કે જો તેઓ આવું કરશે, તો અમેરિકા વધુ ટેરિફ લાદશે, જે જાપાન અને દક્ષિણ કોરિયાના ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચીનના પ્રભાવનો સામનો કરવામાં આ બંને દેશો અમેરિકા માટે મહત્વપૂર્ણ ભાગીદારો છે.
અમેરિકાએ વર્ષો સુધી અસંતુલિત વેપાર સહન કર્યો
ટ્રમ્પે પત્રમાં લખ્યું કે અમેરિકાએ વર્ષો સુધી જાપાન સાથે અસંતુલિત વેપાર સહન કર્યો છે અને હવે “ફેયર ટ્રેડ” એટલે કે નિષ્પક્ષ વેપાર તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે. તેમણે જાહેરાત કરી કે 1 ઓગસ્ટ, 2025થી અમેરિકા જાપાનથી આયાત થતા તમામ ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય જાપાનની ટેરિફ, નોન-ટેરિફ નીતિઓ અને વેપારી અવરોધોને જવાબ આપવા માટે લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોમાં ફરી તણાવ વધવાની શક્યતા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ પગલાંની જાપાન અને દક્ષિણ કોરિયાના અર્થતંત્ર તેમજ વૈશ્વિક સપ્લાય ચેઇન પર શું અસર પડશે તે જોવું રહ્યું.
ભારતને લઈને શું છે અપડેટ?
આ પહેલા અમેરિકાએ ભારત સહિત લગભગ બે ડઝન દેશો પર ટેરિફ લગાવ્યો હતો, જેનાથી ખૂબ જ ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ અમેરિકાએ 90 દિવસની છૂટ આપી હતી, જેની અવધિ 9 જુલાઈએ પૂરી થઈ રહી છે. મીડિયા અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચેની મિની ટ્રેડ ડીલમાં ભારતના કેટલાક લેબર-ઇન્ટેન્સિવ પ્રોડક્ટ્સ પર વાત થઈ શકે છે. આ ઉપરાંત, અમેરિકાના કૃષિ ઉત્પાદનો જેવા કે બ્લુબેરી પર ટેક્સ ઘટાડવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.