Donald Trump Shooting: પૂર્વ રાષ્ટ્રપતિ પરના હિંસક હુમલાને ભારતીય મૂળના અમેરિકનોએ વખોડ્યો

શિકાગોઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કરવાના કિસ્સાની આંતરરાષ્ટ્રીય મીડિયા અને દુનિયાના દેશોએ હુમલાને વખોડી નાખ્યો છે, ત્યારે ભારતીય મૂળના અમેરિકનોએ હિંસક વૃત્તિની આકરી ઝાટકણી કાઢી હતી.
ભારતીય મૂળના અમેરિકનોએ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી હતી અને તેને અમેરિકન લોકતંત્રના ઇતિહાસનો ‘કાળો અધ્યાય’ ગણાવ્યો હતો. પેનસિલ્વેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જોકે આ હુમલામાં ટ્રમ્પને જમણા કાનમાં ઇજા પહોંચી હતી.
ભારતીય અમેરિકન સમુદાયના જાણીતા ડોક્ટર ભરત બરઇએ મીડિયાને કહ્યું હતું કે અમને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની જાણકારી મળી છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે અને લોકતંત્રમાં આ પ્રકારની હિંસાને સ્વીકારી શકાય નહીં.
તેમણે કહ્યું હતું કે લોકોના વિચારો અલગ અલગ હોઇ શકે છે, તેમના રાજકીય અને આર્થિક વિચારો પણ અલગ અલગ હોઇ શકે છે. તેમણે તેમના વિચારોને મતદાન મારફતે વ્યક્ત કરવા જોઇએ.
‘શિખ અમેરિકન્સ ફોર ટ્રમ્પ’ના અધ્યક્ષ જસદીપ સિંહ જસ્સીએ પીટીઆઇને કહ્યું હતું કે આ અમેરિકાના લોકતંત્રમાં એક કાળો અધ્યાય છે. અમે તેમની સુરક્ષા અને સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. અમે આ કૃત્યની નિંદા કરીએ છીએ અને અમેરિકનોને ટ્રમ્પના સમર્થનમાં એક થવાની અપીલ કરીએ છીએ.
આ પણ વાંચો : Donald Trump Rally Shooting: ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, વડા પ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા
ડેમોક્રેટિક પાર્ટીના ડેપ્યુટી નેશનલ ફાઇનાન્સ ચેર અને જો બાઇડનના મજબૂત સમર્થક અજય ભુટોરિયાએ કહ્યું હતું કે “હુમલાના તમામ વિગતોની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે: શું આ હુમલા પાછળ કોઈ વિદેશી સંગઠનનો હાથ છે, જેનો હેતું અલગ અલગ રાજકીય વિચારો રાખનારા અમેરિકનો વચ્ચે વિખવાદ અને વિભાજન પેદા કરવાનો છે. જેથી આપણી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચાડી શકાય.”
ન્યૂ યોર્ક સ્થિત રિયલ એસ્ટેટ રોકાણકાર અને ટ્રમ્પ પરિવારના મિત્ર અલ મેસને કહ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો તેમને ફરીથી રાષ્ટ્રપતિ બનતા અટકાવી શકશે નહીં.