ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો નોબેલ ‘રાગ’: મેં ભારત-પાક વચ્ચે યુદ્ધ રોકી ૧ કરોડ જીવ બચાવ્યા, હું જ પુરસ્કારનો અસલી હકદાર!

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત વખત નોબલ પારિતોષિકનો રાગડો તાણ્યો છે. તેમણે ફરી એકવખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ગ રોકોવ્યાનો દાવો કર્યો હતો. જો કે તેમણે ન માત્ર પોતાને નોબલ પુરસ્કારના સૌથી મોટા હકદાર ગણાવ્યા પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાનને ટાંકીને કહ્યું હતું કે તેમના કારણે કરોડો લોકોનો જીવ બચી ગયો. તેમણે દાવો કર્યો હતો કે ભારત પાકિસ્તાન વચ્ચેના સૈન્ય ટકરાવ સમયે રેપિડ ઓર્ડરથી બંને પરમાણુ સંપન્ન દેશ વચ્ચે સુલેહ કરાવી હતી.

પોતાની ઉપલબ્ધિઓ ગણાવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા હકદાર છે કારણ કે તેમણે અનેક મોટા યુદ્ધો રોકાવ્યા છે. ભારત-પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “હવામાં આઠ લડાકુ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા અને બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળવાની તૈયારીમાં હતું, જેને મેં સમયસર દરમિયાનગીરી કરીને અટકાવ્યું હતું.” ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, શરીફે પોતે સ્વીકાર્યું છે કે ટ્રમ્પની મધ્યસ્થતાને કારણે જ દક્ષિણ એશિયામાં ઓછામાં ઓછા એક કરોડ લોકોના જીવ બચ્યા છે.

જોકે, ભારત સરકાર દ્વારા ટ્રમ્પના આ દાવાઓને હંમેશા નકારવામાં આવ્યા છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, પાકિસ્તાન સાથેના યુદ્ધવિરામનો નિર્ણય નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચેની સીધી લશ્કરી વાતચીત દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025માં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ પર સચોટ પ્રહાર કરવામાં આવ્યા હતા. ભારતે હંમેશા જાળવ્યું છે કે તેની સૈન્ય તાકાત અને કડક વલણને કારણે પાકિસ્તાને નમવું પડ્યું હતું અને યુદ્ધવિરામની અપીલ કરી હતી.

બીજી તરફ, ટ્રમ્પે ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો પર પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ઈરાન સરકારને ગંભીર ચેતવણી આપતા કહ્યું કે, જો તેઓ પ્રદર્શનકારીઓ પર હિંસા કરશે અને તેમની હત્યા કરવાનું શરૂ કરશે, તો અમેરિકા મૂકપ્રેક્ષક બનીને જોશે નહીં. ટ્રમ્પે જણાવ્યું કે, “ઈરાન અત્યારે મુશ્કેલીમાં છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન થશે તો અમેરિકા સીધું સૈન્ય હસ્તક્ષેપ કરશે અને ઈરાનને ત્યાં ફટકો મારશે જ્યાં તેમને સૌથી વધુ દર્દ થશે.” તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની નીતિઓની ટીકા કરતા સ્પષ્ટ કર્યું કે તેઓ આ મામલે અત્યંત કડક પગલાં ભરશે.

આ પણ વાંચો…અમેરિકા વેનેઝુએલા પર ફરી હુમલો નહીં કરે: ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button