Top Newsઇન્ટરનેશનલ

“આ કોણ બૂમો પાડી રહ્યું છે?” આસિયાન સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો પર ભડક્યા, સવાલોને ગણાવ્યા ‘બોરિંગ’.

કુઆલાલંપુર: મલેશિયામાં ચાલી રહેલા 47માં આસિયાન શિખર સંમેલન (ASEAN Summit) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો પર ભડકી ઊઠ્યા હતા. કુઆલાલંપુરમાં આયોજિત સંમેલન દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથેની મુલાકાત બાદ ટ્રમ્પ પત્રકારોના સવાલોના જવાબ આપવા આવ્યા હતા, પરંતુ તેઓ વધારે સવાલોના જવાબ આપવાના મૂડમાં નહોતા.

આ કોણ બૂમો પાડી રહ્યું છે?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક પત્રકારોના સવાલોને ટાળી દીધા અને કેટલાકને જવાબ આપવાનો ઇનકાર કરી દીધો. જ્યારે એક પત્રકાર સવાલ પૂછવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ટ્રમ્પે ગુસ્સે થઈને કહ્યું, “આ કોણ બૂમો પાડી રહ્યું છે? બૂમો ન પાડો.” ત્યારબાદ તેમણે બ્રાઝિલને ખૂબસૂરત દેશ ગણાવીને તેના રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી.

એક ચોક્કસ પત્રકારને સવાલ પૂછવાથી રોકતા ટ્રમ્પે કહ્યું, “ફરીથી તમે, પ્લીઝ નહીં.” સવાલો ટાળવાના પ્રયાસમાં અંતે તેમણે કહ્યું, “મારે કહેવું પડશે કે આજના સવાલો વધારે સારા નથી. આ બહુ બોરિંગ સવાલો છે. પછી મળીશું, આભાર.”

બ્રાઝિલના રાષ્ટ્રપતિનો પણ આવો જ વ્યવહાર

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પહેલાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પણ પત્રકારોને સવાલ પૂછવા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “અમારી પાસે વધારે સમય નથી. અમે પત્રકારો સાથે વાત કરીને સમય બગાડવા નથી માંગતા. અમારી પાસે વાત કરવા માટે ઘણું છે. જો તમારામાં ધીરજ હોય તો તમને બેઠકના પરિણામો પછીથી ખબર પડી જશે.”ટ્રમ્પના આ રવૈયાથી તેમના વર્તન પર સવાલો ઊભા થયા છે. એક મહિલા પત્રકારના સવાલોના જવાબ ન આપવા બદલ કેટલાક લોકોએ તેમને ‘મિસૉજિનિસ્ટ’ પણ કહ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button