ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાંઃ ન્યૂ યોર્ક ટાઈમ્સ, ત્રણ પત્રકારોને 4 લાખ ડોલર ચૂકવવાનો કોર્ટનો આદેશ
ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે છેતરપિંડીના કેસમાં ન્યૂ યોર્ક ટાઇમ્સ અને ત્રણ પત્રકારોને ચાર લાખ ડોલર આપવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ન્યૂ યોર્કના એક ન્યાયધીશે ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે ધ ન્યૂયોર્ક ટાઇમ્સને કાનૂની ફીના રૂપમાં ૩૯૨,૬૩૮ ડોલર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસ લોન ફ્રોડ સાથે સંબંધિત છે.
હકીકતમાં ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને કેટલાક પત્રકારોએ ટ્રમ્પની સંપત્તિને લઇને ખુલાસો કર્યો હતો કે ટ્રમ્પે લોન લેવા માટે તેની સંપત્તિને વધારીને રજૂ કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે સંસ્થા પર કેસ કર્યો હતો, હવે કોર્ટે પત્રકારો અને સંસ્થાને કેસથી અલગ કરી દીધા છે અને ટ્રમ્પને કાનૂની ફી ચૂકવવાનો આદેશ કર્યો છે.
નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેના પરિવારની મિલકત અને કર વિશે ખુલાસો કરવાને લઇને ન્યૂયોર્ક ટાઇમ્સને ૨૦૧૮માં પુલિત્જર પુરસ્કાર પણ મળ્યો હતો. ન્યૂયોર્કના ન્યાયધીશ રોબર્ટ રીડે આદેશમાં કહ્યું હતું કે આ કેસમાં મુદ્દાઓની જટિલતા અને અન્ય તથ્યોને જોતા, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને પત્રકારોના વકીલોને કાનૂની ફીના રૂપમાં કુલ ૩૯૨,૬૩૮ ડોલર ચૂકવવાના રહેશે.
આદેશ બાદ ન્યૂ યોર્ક ટાઇમ્સના પ્રવક્તા ડેનિયલ રોહડસે હાએ કહ્યું કે આજના નિર્ણયથી એ જાણવા મળે છે કે પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે કાયદો એક શક્તિશાળી બળ બની શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં આગળ ચાલી રહ્યા છે. અહીં નવેમ્બર ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની શક્યતા છે.