અબજો ડોલરની છેતરપિંડી માટે પૂર્વ અમેરિકન પ્રમુખ દોષિત | મુંબઈ સમાચાર

અબજો ડોલરની છેતરપિંડી માટે પૂર્વ અમેરિકન પ્રમુખ દોષિત

ન્યૂયોર્ક એટર્ની જનરલની ઓફિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સંડોવતા સિવિલ કેસની સુનાવણીના દિવસો પહેલા છેતરપિંડીના એક કેસમાં આપવામાં આવેલા ચૂકાદામાં ન્યુ યોર્કના ન્યાયાધીશ આર્થર એન્ગોરોને ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રોને છેતરપિંડી માટે જવાબદાર ગણાવ્યા છે અને કહ્યું છે કે ટ્રમ્પે લગભગ એક દાયકા સુધી ખોટા નાણાકીય નિવેદનો આપ્યા છે. કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પે રિયલ એસ્ટેટ બિઝનેસ બનાવતી વખતે ઘણા વર્ષો સુધી છેતરપિંડી કરી હતી. જેના કારણે તે ઘણો ફેમસ થયો હતો. આ કારણોસર તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.

જસ્ટિસ આર્થર એન્ગોરોને આ ટિપ્પણી ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. કોર્ટે કહ્યું હતું કે પુરાવાના આધારે એવું કહી શકાય કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની કંપનીએ તેમની પ્રોપર્ટીની કિંમતોમાં ભારે વધારો કર્યો અને સોદા કર્યા હતા.


જસ્ટિસ એન્ગોરોને ટ્રમ્પને સજા તરીકે એવો આદેશ આપ્યો હતો કે, ટ્રમ્પના ઘણા વ્યવસાયોના લાઇસન્સ રદ કરવામાં આવે, જેથી તેમના માટે ન્યૂયોર્કમાં વ્યવસાય કરવો મુશ્કેલ અથવા અશક્ય બની જાય. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે તે ટ્રમ્પ ગ્રૂપની કામગીરી પર દેખરેખ રાખવા માટે સ્વતંત્ર મોનિટરની નિમણૂક કરવાનું ચાલુ રાખશે. 
દરમિયાન ટ્રમ્પના વકીલ અને પ્રવક્તા એલિના હબ્બાએ કહ્યું હતું કે તેઓ આ નિર્ણય સામે અપીલ કરશે. તેમણે કોર્ટના આ નિર્ણયને કાયદાકીય વ્યવસ્થાના અપમાન સમાન અને દરેક સ્તરે મૂળભૂત રીતે ખોટો ગણાવ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button