US President Election: રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા Trumpને મોટી રાહત, US Supre courtનો નિર્ણય
વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, એ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે કોલોરાડો કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે, અગાઉ કોલોરાડો કોર્ટે ટ્રમ્પના રાષ્ટ્રપતિની ચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. ટ્રમ્પે આ નિર્ણયને અમેરિકાની મોટી જીત ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના કોલોરાડો રાજ્યની કોર્ટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રંપના ચૂંટણી લડવા પર રોક લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે સશસ્ત્ર વિદ્રોહના આરોપી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી ના શકે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજોએ કોલોરાડો કોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા.આ સાથે સુપ્રીમ કોર્ટે કોલોરાડો કોર્ટ પર તેના અધિકારક્ષેત્રની બહાર જવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 14મા સુધારાની કલમ 3 લાગુ કરવાની કોઈ નીચલી કોર્ટને સત્તા નથી.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ટ્રમ્પ આજે મંગળવારે યોજાનારી ચૂંટણીના પ્રાથમિક તબક્કામાં ભાગ લઈ શકશે. અહેવાલો મુજબ ટ્રમ્પને આજે 5 માર્ચે સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મળી શકે છે.
અમેરિકામાં 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાર થઇ હતી. આ પછી ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલને ઘેરી લીધું હતું. ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં પણ તોડફોડ કરી હતી. ટ્રમ્પ પર એવા આરોપો છે કે તેમણે તેમના સમર્થકોને ઉશ્કેરીને કેપિટોલ હિલની ઘેરાબંધી કરાવી હતી. ચૂંટણીમાં હાર બાદ પણ તેમણે વ્હાઇટ હાઉસ ખાલી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ મામલે ટ્રમ્પ ઉપરાંત અન્ય કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.