અમેરિકા ચીન ટ્રેડ ડીલ બાદ પણ ડોલરમાં નરમાઈ, રૂપિયો મજબૂત થયો

મુંબઇ : વૈશ્વિક સકારાત્મક સંકેતો અને ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ ડોલર સામે રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. અમેરિકા અને ચીનની ટ્રેડ ડીલ બાદ ડોલરમાં મજબૂતી જોવા મળવાની શકયતા હતી. જોકે, એક સમયે ડોલર સામે રૂપિયા 86ની સપાટીએ પહોંચેલો રૂપિયામાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. જેમાં આજે રૂપિયો ડોલર સામે 0.31 પૈસા મજબૂત થઇને 85.05ની સપાટીએ પહોંચ્યો છે.
વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો મજબૂત
આ અંગે ફોરેક્સ એક્સપર્ટના મતે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે આગામી દિવસોમાં રૂપિયા પર દબાણ આવી શકે છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 66 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહ્યા છે. જે ભારતની વેપાર ખાધને વધારી શકે છે. આ ઉપરાંત વિદેશી મૂડીના પ્રવાહને કારણે સ્થાનિક ચલણના ફાયદાને પણ અમુક અંશે મર્યાદિત કરવામાં આવ્યા હતા. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો 85.05 પર ખુલ્યો. જે તેના છેલ્લા બંધ ભાવથી 31 પૈસાનો વધારો દર્શાવે છે.
રૂપિયામાં મજબૂતી જોવા મળી
જોકે, શરૂઆતના વેપારમાં રૂપિયો ડોલર સામે 85.23ના સ્તરે પહોંચી ગયો હતો. મંગળવારે રૂપિયો ડોલર સામે 85.36ના સ્તરે પર સ્થિર રહ્યો. આ દરમિયાન ડોલર ઇન્ડેક્સ 0.05 ટકા ઘટીને 100.95 પર આવી ગયો છે.
આપણ વાંચો: ટ્રમ્પે ફરી જમાદાર બનવાનો પ્રયાસ કર્યો; ભારત અને પાકિસ્તાનને સાથે ડીનર કરવા કહ્યું
એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર ઘટ્યો
ઉલ્લેખનીય છે કે શાકભાજી, ફળો અને કઠોળના ભાવમાં નરમાઈને કારણે એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર છ વર્ષના નીચલા સ્તરે 3.16 ટકા પર આવી ગયો હતો.આનાથી આરબીઆઈ માટે જૂન નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં બીજો ઘટાડો કરવા માટે પૂરતો અવકાશ સર્જાયો છે.
મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)પર આધારિત ફુગાવો એપ્રિલમાં 3.16 ટકા રહ્યો હતો. જે જુલાઈ 2019 પછીનો સૌથી નીચો સ્તર છે. જુલાઈ 2019માં તે 3.15 ટકા હતો. માર્ચ 2025 માં રિટેલ ફુગાવો ૩.૩૪ ટકા અને એપ્રિલ, 2024માં 4.83 ટકા હતો.