રશિયામાં આફતઃ ડેમ તૂટતા 12,000થી વધુ ઘર પાણીમાં ગરકાવ
મોસ્કો: ઉરલ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને એને કારણે કઝાકિસ્તાનની સરહદે આવેલા રશિયન પ્રદેશમાં લગભગ ૧૨૦૦૦ ઘરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓરેનબર્ગ પ્રદેશમાં ગયા અઠવાડિયે વધતા પાણીના દબાણ હેઠળ નદી પરનો બંધ ફાટ્યા પછી પૂરને કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ટેલિવિઝન વિડિયો કોન્ફરન્સમાં, ઓરેનબર્ગના ગવર્નર ડેનિસ પાસલરે અહેવાલ આપ્યો હતો કે ૧૬ રાજ્ય તબીબી સુવિધાઓ તેમ જ કુલ ૧૧,૯૭૨ ઘર પૂરમાં ગરકાવ છે. વધુમાં, ૩,૬૦૦ ઘર – લગભગ ૨૦,૦૦૦ લોકોનું ઘર – નિકટવર્તી પૂરના જોખમમાં છે કારણ કે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.
આ ક્ષેત્રની વહીવટી રાજધાની ઓરેનબર્ગ શહેરમાં પરિસ્થિતિ સૌથી વધુ ભયાનક છે, પાસલેરે જણાવ્યું હતું કે, જ્યાં ઉરલ નદીમાં પાણીનું સ્તર ૧૦.૮૭ મીટર (લગભગ ૩૬ ફૂટ)ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. પૂરગ્રસ્ત તેમ જ અત્યાર સુધીમાં કુલ ૭,૮૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂરથી થયેલું એકંદરે નુકસાન ૪૦ અબજ રુબલ (૪૨૮ મિલિયન ડોલર)થી વધુનો અંદાજ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.