કાળા ધુમાડાના ગોટેગોટા! ઢાકા એરપોર્ટ પર આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

કાળા ધુમાડાના ગોટેગોટા! ઢાકા એરપોર્ટ પર આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (Hazrat Shahjalal International Airport)ના કાર્ગો ટર્મિનલમાં શનિવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, એરપોર્ટના કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં બપોરે આશરે ૨:૧૫ વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી ભીષણ હતી કે એરપોર્ટ પરથી કાળા ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ ઊઠતી સ્પષ્ટપણે જોવા મળી રહી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

જો કે ક્યાં કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં મોટી ભીડ જમા થઈ હતી, અને એરપોર્ટ તરફ જતા રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા અને નુકસાનના આકલન માટે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button