બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડુંઃ લાખો ઘરોમાં અંધારપટ

સાઓ પાઉલોઃ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ત્રાટકેલા ટૂંકા પણ શક્તિશાળી વાવાઝોડાને લીધે સાત લોકોના મોત થયા હતા. જેના કારણે દક્ષિણ અમેરિકાના સૌથી મોટા મહાનગરમાં શનિવારે લગભગ ૧.૪ મિલિયન ઘરોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો.
સાઓ પાઉલો રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે ૬૭ માઇલ પ્રતિ કલાક(૧૦૮ કિમી પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાવાથી ટ્રાન્સમિશન લાઇન અને વૃક્ષો ઉખડી ગયા હતા. જેના કારણે કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હતું.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર વાવાઝોડાએ ઘણા એરપોર્ટ બંધ કરી દીધા અને કેટલાક વિસ્તારોમાં પાણીની સેવા ખોરવાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક આઉટડોર સ્ટોલ પર ઝાડ પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. સાઓ પાઉલો રાજ્યની આસપાસ ઓછામાં ઓછા અન્ય છ લોકોના પણ મોત થયા છે.
અધિકારીઓએ શરૂઆતના થોડા કલાકોમાં વીજળી પુનઃસ્થાપિત કરવાની આશા વ્યક્ત કરી હતી. પરંતુ મેટ્રોપોલિટન વિસ્તારના કેટલાક લત્તા કે જે ૨૧ મિલિયન લોકોનું ઘર છે, તે શનિવારે પણ અંધારામાં હતા. અધિકારીઓએ રહેવાસીઓને પાણીનો વપરાશ મર્યાદિત કરવા વિનંતી કરી હતી.