પાકિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો, અર્ધલશ્કરી દળના ત્રણ જવાનોની હત્યા કરી

કરાંચી : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન માટે હવે આતંકવાદ જ માથાનો દુ:ખાવો બની રહ્યો છે. જેમાં હાલમાં પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને સૈનિકો અને સામાન્ય લોકો મરી રહ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સતત પાકિસ્તાની સૈનિકોની હત્યા કરી રહ્યા છે. હવે ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની તાલિબાનના આતંકવાદીઓએ પાકિસ્તાનના અર્ધલશ્કરી દળના ત્રણ જવાનોની હત્યા કરી છે.
ત્રણ અર્ધલશ્કરી જવાનોના મૃતદેહ મળી આવ્યા
જેમાં મળતી માહિતી મુજબ પાકિસ્તાની તાલિબાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ કથિત રીતે ત્રણ અર્ધલશ્કરી જવાનોને બે દિવસ સુધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ સૈનિકોની હત્યા કરી હતી. રવિવારે સ્થાનિક પોલીસે આ માહિતી જાહેર કરી હતી. પોલીસે કહ્યું છે કે પહાડી વિસ્તારમાં ત્રણ અર્ધલશ્કરી જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
વાહનમાંથી ત્રણ ફ્રન્ટિયર કોર્પ્સના સૈનિકોનું અપહરણ કર્યું હતું
સ્થાનિક પોલીસે આપેલી માહિતી મુજબ આ હત્યા પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના શાહઝૈબ બેતાની જૂથના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે. આતંકવાદીઓએ લગભગ બે દિવસ પહેલા ટાંક જિલ્લામાં એક પેસેન્જર વાહનમાંથી ત્રણ ફ્રન્ટિયર કોર્પ્સના સૈનિકોનું અપહરણ કર્યું હતું. આ પછી, તેમના મૃતદેહ લક્કી મારવત જિલ્લાના પેઝુ બયાના વિસ્તારના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ લાન્સ નાયક નસીમ, લાન્સ નાયક મુહમ્મદ રશીદ અને સિપાહી મુહમ્મદ શેર તરીકે થઈ છે.
શનિવારે 6 આતંકવાદીઓ માર્યા ગયા
આ પૂર્વે શનિવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે અલગ અલગ કાર્યવાહીમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું હતું કે ડીજી ખાન જિલ્લામાં ઘણા કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. અહેવાલ છે કે આતંકવાદીઓ મહત્વપૂર્ણ સંસ્થાઓ અને પોલીસ ચોકીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જ્યારે લાહોરથી લગભગ 400 કિમી દૂર બહાવલપુરમાં એક ટીટીપી આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નયી કાસિમની મોટી જાહેરાત, ઇઝરાયલ સામે ઝૂકશે નહીં