મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજારને પાર, 4,715 ઘાયલ
ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ હોવાને કારણે ઘણી જગ્યાએ પહોંચવાનું હજુ મુશ્કેલ

નાયપિદાવ/યંગુનઃ મ્યાનમારમાં લગભગ એક અઠવાડિયા પહેલા આવેલા વિનાશકારી ભૂકંપમાં આજે મૃત્યુઆંક વધીને ૩,૦૮૫ થવા પામ્યો હતો. શોધ અને બચાવ ટીમોને વધુ મૃતદેહો મળી આવતા મૃતકોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. આ જાણકારી લશ્કરી નેતૃત્વવાળી સરકારે આપી હતી.
એક સંક્ષિપ્ત નિવેદનમાં સેનાએ જણાવ્યું કે ૪,૭૧૫ લોકો ઘાયલ થયા છે અને ૩૪૧ ગુમ છે. ગત શુક્રવારે આવેલા ૭.૭ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક સ્થિત હતું.
આ ભૂકંપમાં હજારો ઇમારતો ધરાશાયી થઇ, રસ્તાઓને નુકસાન થયું અને ઘણા વિસ્તારોમાં પુલોનો નાશ થયો હતો. સ્થાનિક મીડિયાએ સત્તાવાર આંકડા કરતાં ઘણા વધારે જાનહાનિના અહેવાલો આપ્યા છે. ટેલિકોમ્યુનિકેશન વ્યાપકપણે ઠપ હોવાથી અને ઘણી જગ્યાએ પહોંચવું મુશ્કેલ હોવાથી વધુ વિગતો બહાર આવતા આ આંકડો ઝડપથી વધશે એવું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મ્યાનમાર બાદ આ દેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી…
મ્યાનમારની સેનાએ ૨૦૨૧માં આંગ સાન સૂ કીની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી બાદથી ગૃહયુદ્ધ શરૂ થયું હતું. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ભૂકંપે પહેલાથી જ ગંભીર માનવતાવાદી સંકટને વધુ ભયંકર બનાવી દીધું છે. જેમાં ૩ મિલિયનથી વધુ લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે અને લગભગ ૨૦ મિલિયન લોકો ભૂકંપ પહેલાથી જ જરૂરિયાતમંદ હતા.
ચાલી રહેલી લડાઇ માનવતાવાદી સહાય પ્રયાસોને અવરોધી શકે છે તેવી વધતી જતી આશંકા વચ્ચે સૈન્યએ બુધવારના રોજ ૨૨ એપ્રિલ સુધી કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. બેંગકોકમાં જ્યાં ભૂકંપે નિર્માણાધીન એક ગગનચુંબી ઇમારતને જમીનદોસ્ત કરી નાખી હતી ત્યાં બચી ગયેલા લોકો અને મૃતદેહોની શોધ ચાલુ રહી હતી.
કારણ કે ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપંટે જણાવ્યું કે કાટમાળ વચ્ચે લોકો જીવતા હોવાના અવાજો સંભળાયા હતા. શહેરમાં ૨૨ લોકોના મોત થયા અને ૩૫ ઘાયલ થયા હતા. જેમાંથી મોટા ભાગના મોત અધૂરી ઇમારતો ધરાશાયી થવાથી થયા હતા.