ઇન્ટરનેશનલ

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો: હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ-પોલીસ પર હુમલો

મોસ્કો: વિદેશોમાં ભારતીયો પર હુમલાની ઘટનાની શ્રેણીમાં હવે રશિયાનું પણ નામ જોડાઇ ચૂક્યું છે. રશિયાના ઉફામાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છરીબાજીની ઘટના બની હતી. આ હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત કુલ આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રશિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક સગીર હુમલાખોર હોસ્ટેલમાં ઘૂસી ગયો હતો અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

હુમલાખોરની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર પણ તેણે હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ધરપકડ ટાળવા માટે ૧૫ વર્ષીય શંકાસ્પદ હુમલાખોરે પોતાની જાતને પણ છરી મારી ઈજા પહોંચાડી હતી. મીડિયા અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ચારેબાજુ લોહીના નિશાન જોવા મળ્યા હતા. હાલ હુમલાખોરને ગંભીર હાલતમાં સ્થાનિક બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતીય દૂતાવાસે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને જણાવ્યું છે કે તેઓ સતત સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. કઝાન સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ ઘાયલ ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે તાત્કાલિક ઉફા રવાના થઈ ગયા છે. રશિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઘાયલો પૈકી એકની હાલત નાજુક છે, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ હાલ જોખમથી બહાર હોવાનું કહેવાય છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અને ટેલિગ્રામ ચેનલોના દાવા મુજબ, હુમલાખોર એક પ્રતિબંધિત નવ-નાઝી સંગઠન સાથે જોડાયેલો હોવાની આશંકા છે. મોસ્કોથી લગભગ ૧૨૦૦ કિલોમીટર દૂર સ્થિત આ શહેરમાં બનેલી ઘટનાની ગંભીરતાને જોતા રશિયન સુરક્ષા એજન્સીઓએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button