દલાઈ લામા ભારતીય એરફોર્સના વિમાનમાં લેહ પહોંચ્યા, ચીને આપી આકરી પ્રતિક્રિયા…

બેઈજિંગ : તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની ચર્ચા વચ્ચે દલાઈ લામા ભારતીય વાયુસેનાના વિમાનમાં લેહ એરપોર્ટ પહોંચ્યા છે. દલાઈ લામા એક મહિના સુધી લેહમાં રહેવાના છે. તેમજ લોકોને બુદ્ધ ધર્મના વારસાને જાળવી રાખવા અપીલ કરવાના છે. જયારે ચીને દલાઈ લામાના ઉત્તરાધિકારીના મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને આ મુદ્દાને ભારત ચીન સબંધો વચ્ચે કાંટા સમાન ગણાવ્યો છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વર્ષ 2020ની ગલવાન અથડામણ બાદ પ્રથમવાર ચીનના પ્રવાસે જવાના છે.

તિબેટ કાર્ડ ભારત મારે આત્મધાતી
જયારે ચીનના દુતાવાસે દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે રવિવારે નિવેદન જાહેર કર્યું છે. તેમજ કહ્યું છે કે ભારતે તિબત સાથે જોડાયેલી સંવેદનશીલતાને ગંભીરતા સમજવાની જરૂર છે. ચીને કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારી અને પુનર્જન્મનો વિષય સંપૂર્ણ રીતે ચીનનો આંતરિક મુદ્દો છે. જેમાં કોઈ બ્રાહ્ય હસ્તક્ષેપને સ્થાન નથી. ચીન દુતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તિબત સાથે જોડાયેલો મુદ્દો ભારત અને ચીન માટે કાંટા સમાન છે. જે ભારત માટે બોજ બની રહ્યો છે. તેમજ તિબેટ કાર્ડ ભારત મારે આત્મધાતી સાબિત થઈ શકે છે.

ચીનનો ભારતમાં ટિપ્પણીઓ સામે વિરોધ
આ ઉપરાંત યુ જિંગે કહ્યું કે હાલમાં જ ભારતમાં અનેક લોકોએ દલાઈ લામાના ઉત્તરાધિકારી અંગે અયોગ્ય નિવેદનો આપ્યા છે. જે ચીનના મતે ભારત સરકારની જાહેર નીતિ સાથે મેળ ખાતા નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તિબેટમાં તિબેટીઓ મુક્તપણે તેમની પરંપરાગત સંસ્કૃતિ, પોશાક ખોરાક અને સ્થાપત્ય જાળવી રહ્યા છે. તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

ઉત્તરાધિકારીની અફવાઓ ફગાવી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દલાઈ લામાના ઉત્તરાધિકારીની જાહેરાત અંગે ચર્ચાઓ પ્રકાશમાં આવી હતી. જયારે તેમના જન્મ દિવસ 6 જુલાઈ પૂર્વે સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ પેનપા ત્સેરિંગે આ અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કેટલાક લોકો વિચારી રહ્યા છે કે દલાઈ લામા ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરશે અથવા તેમના મૃત્યુ વિશે વાત કરશે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેઓ કહે છે કે તેઓ વધુ જીવશે. આપણે તેમની પરંપરાને સમજવી જોઈએ. આ પ્રસંગે, તેમણે ચીની નેતા માઓ ત્સે-તુંગ સાથે સંબંધિત એક ઘટનાને પણ યાદ કરી હતી.