બાંગ્લાદેશમાં ‘રેમલ’ વાવાઝોડાનો કહેર: 1.5 કરોડ ઘરમાં વીજળી ગુલ, સાતનાં મોત
ઢાકા: ‘રેમલ’ વાવાઝોડાએ રવિવારે તબાહી મચાવી હતી. ભયાનક તોફાનના કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે લાખો લોકો વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાયો હતો એની સાથે જ સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયા હતા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ‘રેમલ’ સોમવારે સવારે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ ગયું હતું. રવિવારે મધરાતે વાવાઝોડું પહોંચ્યા બાદ પવનની ઝડપ 80-90 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.
નોંધનીય છે કે રેમલ આ વર્ષના ચોમાસાની સીઝન પહેલા બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયેલું પ્રથમ તોફાન છે ઓમાને આ ચક્રવાતનું નામ રેમલ (જેનો અર્થ અરબીમાં રેતી) રાખ્યું છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ પણ વરસ્યો હતો જેણે બારીસાલ, ભોલા, પટુઆખલી, સતખીરા અને ચિત્તાગોંગ જેવા વિસ્તારોને અસર કરી હતી.
ગ્રામીણ વિદ્યુત પ્રાધિકરણે ‘રેમલ’ દ્વારા થતા નુકસાનને ઘટાડવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 મિલિયન લોકોના ઘરોની વીજળી કાપી નાખી છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો 12 કલાકથી વધુ સમય સુધી કાપવામાં આવ્યો હતો પરંતુ વાવાઝોડુ પસાર થયા બાદ ફરી વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હતો
ભારે પવન સાથે આવેલા વરસાદે સોમવારે સવારે બાંગ્લાદેશના મોટાભાગના વિસ્તારોને અસર પહોંચાડી હતી. રવિવારે આવેલા તોફાનને કારણે સત્તાવાળાઓને દેશના ત્રણ બંદરો અને બીજા સૌથી મોટા શહેર ચિત્તાગોંગ એરપોર્ટને બંધ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાતની તીવ્રતાના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓ અને તેમના દૂરના ટાપુઓ સામાન્ય કરતા 8-12 ફૂટ ઉંચી ભરતીનો સામનો કરી શકે છે.