ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકતાં શાળાઓ બંધ અને વાહનવ્યવહાર ઠપ્પ

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક દુર્લભ ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ત્રાટક્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે. આ ચક્રવાતની અસરને કારણે આજે પૂર્વ ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી તેમ જ વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.
હવામાન વિભાગના મેનેજર મેટ કોલોપીએ જણાવ્યું કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ‘આલ્ફ્રેડ’ શનિવારે સવારે સનશાઇન કોસ્ટ વિસ્તાર અને દક્ષિણમાં ગોલ્ડ કોસ્ટ શહેર વચ્ચે ક્યાંક ક્વીન્સલેન્ડ રાજ્યના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડુંઃ લાખો ઘરોમાં અંધારપટ
આ બે પ્રદેશોની વચ્ચે રાજ્યની રાજધાની બ્રિસબેન આવેલી છે, જે ઓસ્ટ્રેલિયાનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. કોલોપીએ બ્રિસબેનમાં પત્રકારોને જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જે વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
વાવાઝોડું ‘આલ્ફ્રેડ’ બ્રિસબેન નજીક દરિયાકાંઠેથી પસાર થવાની પ્રબળ શક્યતા છે. આ ચક્રવાત ૪૦ લાખથી વધુ લોકોની વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થશે. ચક્રવાતની અસરને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાથી મોટા વિસ્તારમાં પૂર આવવાની પણ શક્યતા છે. તેમજ વાવાઝોડાને કારણે બ્રિસબેનના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ૨૦,૦૦૦થી વધુ ઘરોમાં પૂરના પાણી ફરી વળવાની આશંકા છે.
આ પણ વાંચો: વાવાઝોડું
વડા પ્રધાન એન્થની અલ્બેનીઝે જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે ગુરુવારે દક્ષિણ ક્વીન્સલેન્ડમાં ૬૬૦ શાળાઓ અને ઉત્તરીય ન્યૂ સાઉથ વેલ્સમાં ૨૮૦ શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
અલ્બેનીઝે રાષ્ટ્રીય રાજધાની કેનબેરામાં પત્રકારોને જણાવ્યું કે લોકોને મારો સંદેશ, ભલે તમે દક્ષિણ-પૂર્વ ક્વીન્સલેન્ડમાં હોવ કે ઉત્તરીય ન્યુ સાઉથ વેલ્સમાં, અમે તમને મદદ કરવા માટે હાજર છીએ. અમે તમારી સાથે છીએ.