યુરોપમાં સાયબર ફ્રોડના મહાનેટવર્કનો પર્દાફાશ, 40 હજાર સિમ કાર્ડ જપ્ત, જાણો મોડસ ઓપરેન્ડી...
ઇન્ટરનેશનલ

યુરોપમાં સાયબર ફ્રોડના મહાનેટવર્કનો પર્દાફાશ, 40 હજાર સિમ કાર્ડ જપ્ત, જાણો મોડસ ઓપરેન્ડી…

રીગા : યુરોપના દેશ લાતવિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન ” સિમ કાર્ટેલ ” હેઠળ સાયબર ફ્રોડના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 40,000 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં અંદાજે 5 કરોડ નકલી ઓનલાઈન એકાઉન્ટનો પણ પર્દાફાશ થયો છે. જેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરવામાં આવતો હતો. આ ઓપરેશનમાં 26 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

3.3 લાખ યુએસ ડોલરની ક્રિપ્ટો સંપત્તિ ફ્રીઝ

આ અંગે મળતી માહિતી મુજબ ઓપરેશન દરમિયાન પાંચ સાયબર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 1,200 સિમ બોક્સ ડિવાઇસ અને આશરે 40,000 સક્રિય સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. પાંચ સર્વર, ચાર લક્ઝરી કાર, આશરે 4.3 મિલિયન યુરો બેંક બેલેન્સ અને 3.3 લાખ યુએસ ડોલરની ક્રિપ્ટો સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવી હતી. તેમજ ભારતની લીંકો પણ શોધવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સક્રિય

આ ઓપરેશનમાં યુરોપોલ ​​(યુરોપની પોલીસ એજન્સી) અને યુરોજસ્ટે આ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઑસ્ટ્રિયા, એસ્ટોનિયા, લાતવિયા અને ફિનલેન્ડની એજન્સીઓએ સંયુક્ત રીતે 26 સ્થળોએ દરોડા પાડ્યા હતા. યુરોપોલની એક ટીમ લાતવિયાની રાજધાની રીગામાં હતી અને સ્થળ પર ફોરેન્સિક અને તકનીકી સહાય પૂરી પાડી હતી.

કરોડ યુરોની સાયબર ઠગી

આ ઓપરેશનમાં ઓસ્ટ્રિયા, એસ્ટોનિયા અને લાતવિયામાં તપાસ એજન્સીઓએ શોધી કાઢ્યું હતું કે આ નેટવર્ક યુરોપમાં હજારો લોકોને લક્ષ્ય બનાવી રહ્યું છે. જેમાં ફક્ત ઑસ્ટ્રિયામાં જ આશરે(4.5 મિલિયન યુરો) રૂપિયા 40 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી, જ્યારે લાતવિયામાં આશરે રૂપિયા(4.2 લાખ યુરો) 3.7 કરોડનું નુકસાન થયું હતું. ઑસ્ટ્રિયામાં જોડાયેલી 1,700 અને લાતવિયામાં 1,500 સાયબર છેતરપિંડીની ઘટનાઓ નોંધાઈ છે.

સાયબર ફ્રોડ ગેંગની મોડસ ઓપરેન્ડી

આ સાયબર ફ્રોડ ગેંગ એક અત્યાધુનિક ઓનલાઈન સેવા ચલાવતી હતી. જે 80 થી વધુ દેશોના નામો પર નોંધાયેલા ફોન નંબરો ભાડે લેતી હતી. ગુનેગારો આ નંબરોનો ઉપયોગ સોશિયલ મીડિયા, નકલી વેબસાઇટ્સ અને બેંકિંગ પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ બનાવવા માટે કરતા હતા. તેઓ આ નંબરોનો ઉપયોગ તેમની સાચી ઓળખ અને સ્થાન છુપાવવા અને છેતરપિંડી, હેકિંગ અને અન્ય ગુનાઓ કરવા માટે કરતા હતા.

સિમ કાર્ટેલને યુરોપની સૌથી મોટી સાયબર ફ્રોડની તપાસ

આ કાર્યવાહી ઈમ્પેક્ટ (યુરોપિયન મલ્ટિડિસિપ્લિનરી પ્લેટફોર્મ અગેઇન્સ્ટ ક્રિમિનલ થ્રેટ્સ) હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ સંગઠિત ગુના અને આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સામે લડવામાં યુરોપિયન દેશોમાં એજન્સીઓને સમર્થન આપે છે. ઓપરેશન સિમ કાર્ટેલ ને યુરોપની સૌથી મોટી સાયબર ફ્રોડની તપાસમાંની એક માનવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button