ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો પર તવાઈ, 100થી વધુ નોંધાઈ FIR

નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા હાલ ગેરકાયદે રહેતા નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. 74 ગુજરાતી સહિત આશરે 400 જેટલા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા છે. ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો હવે પોલીસ અને સુરક્ષા એજન્સીના નિશાન પર આવ્યા છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં બે સપ્તાહમાં જ 100થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. જ્યારે 20થી વધારે એજન્ટની ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ એજન્ટોને સામાન્ય રીતે ડંકી રૂટના સંચાલક પણ કહેવાય છે. પોલીસ અનુસાર, આ એજન્ટોએ લોકોને વિદેશી વિઝા, નોકરી અને શિક્ષણના ખોટા વાયદા કરીને છેતરપિંડી આચરી છે.
પોલીસ અધિક્ષક અવિનાશ પાંડેએ કહ્યું, ધરપકડ કરવામાં આવેલા લોકો પર ગંભીર આરોપો લગાવીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ એજન્ટો પર છેતરપિંડી, વિશ્વાસઘાત, નકલી દસ્તાવેજ કે ઈલેકટ્રોનિક રેકોર્ડના અસલી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવો તથા ગુનાહિત ધમકી આપવાની કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી બાદ પીડિતો પણ ફરિયાદ નોંધવવા આગળ આવી રહ્યા છે. આવા રેકેટનો કથિત રીતે ખાલિસ્તાન સમર્થકો સાથે સંબંધ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
23 ડિસેમ્બર 2024ના રોજ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્યો સાથે થયેલી એક અથડામણ બાદ અધિકારીઓ દ્વારા 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર થયેલા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ઓપરેટિવ કુલબીર સિંહ સિદ્ધની કથિત સંડોવણીનો ખુલાસો કર્યો હતો. પોલીસ મુજબ, સિદ્ધુ લોકોને વિદેશ મોકલવા માટે માર્કશીટ અને પાસપોર્ટ જેવા નકલી દસ્તાવેજો બનાવી આપતો હતો.
આ પણ વાંચો…યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા
પોલીસ અનુસાર મોટાભાગની ફરિયાદમાં અમેરિકા, બ્રિટન અને યુરોપમાં વિઝા માટે તગડી રકમ ચૂકવ્યા બાદ છેતરપિંડી આચરવામાં આવી હોય તેવા પીડિતો સામેલ છે. આરોપીઓ વારંવાર કડક ઈમીગ્રેશનનો ઉલ્લેખ કરીને ગ્રાહકોને કેનેડા મોકલવાથી બચતા હતા. તેના બદલે વધારે ભાડું આપીને અમેરિકા કે બ્રિટનમાં સ્થળાંતરિત થવાના વાયદા સાથે યુરોપિયન દેશોને પસંદ કરવાનું કહેતા હતા.
એફઆઈઆર અને ધરપકડ બાદ પોલીસે રેકેટની તપાસ વેગીલી બનાવી છે. પૈસાની લેણ-દેણ, આંતરરાષ્ટ્રીય તાર તથા આ ધંધામાં સંકળાયેલા વધુને વધુ લોકો પર સકંજો કસી રહી છે.