ઇન્ટરનેશનલ

૨૦૨૪માં બાંગ્લાદેશમાં બળવા વખતે સામૂહિક હત્યાકાંડ અને અત્યાચારની કોર્ટે નોંધ લીધી

ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયે આજે ઢાકાના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર અને સાત અન્ય સાથી અધિકારીઓ સામે ગયા વર્ષે બળવા દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધો માટે આરોપો સ્વીકાર્યા છે. જેના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી.

ન્યાયાલયે સૌપ્રથમ જુલાઇ ૨૦૨૪ના બળવા દરમિયાન સામૂહિક હત્યાકાંડ અને અત્યાચાર પર નોંધાયેલા કેસની નોંધ લીધી હતી. ન્યાયાધીશ એમ. ગુલામ મુર્તુઝાના વડપણ હેઠળની ન્યાયાલયની ત્રણ સભ્યોની ખંડપીઠે ઢાકાના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર હબીબુર રહેમાન હબીબ અને સાત અન્ય પોલીસકર્મીઓ સામે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા આરોપોને સ્વીકાર્યા હતા અને આ કેસમાં સુનાવણી શરૂ કરવા માટે ૩ જૂનની તારીખ નક્કી કરી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરાયું, મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી

પ્રોથોમ અલો અખબારે ખંડપીઠને ટાંકીને જણાવ્યું કે ઔપચારિક આરોપોની નોંધ લેવાના કારણો છે. આરોપો અનુસાર તત્કાલીન ઢાકા મેટ્રોપોલિટન પોલીસ કમિશ્નર હબીબ કે જે હવે ફરાર છે, તેમણે તેમના ગૌણ અધિકારીઓને જૂના ઢાકાના ચાંખરપુલ વિસ્તારમાં વિરોધ કરી રહેલા ટોળા પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.

હબીબ ઉપરાંત ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે જ્યારે ચાર જેલમાં છે. ન્યાયાલય દ્વારા આરોપો સ્વીકારવામાં આવ્યા ત્યારે ચારેય હાજર હતા. હસીના કે જે હાલમાં ભારતમાં છે તથા તેમના ઘણા મંત્રીમંડળ અને પાર્ટીના સાથીદારો પર સમાન અપરાધોનો આરોપ છે. ન્યાયાલયનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે સરકારી કર્મચારીઓએ આજે સતત બીજા દિવસે બાંગ્લાદેશ સચિવાલયની અંદર પ્રસ્તાવિત સરકારી સેવાઓ(સુધારા) વટહુકમ, ૨૦૨૫ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button