બોલો, ઈઝરાયલમાંથી આ શરતે અમેરિકન નાગરિકો ભરશે ઉચાળા

ગાઝા પટ્ટી/વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ હવે વકરી રહ્યું છે ત્યારે ભારત સહિત અન્ય દેશના લોકો બંને દેશમાંથી પોતાના નાગરિકોનું સ્થળાંતર કરાવી રહ્યા છે ત્યારે અમેરિકન નાગરિકોને ઈઝરાયલમાંથી ખસેડવાની તૈયારીઓ શરુ કરી દીધી છે, જેમાં ઈઝરાયલથી સાયપ્રસ લઈ જવા માટે એક જહાજને તૈયાર કરવામાં આવ્યું છે.
આ મુદ્દે અમેરિકન રાજદૂત કચેરી મારફત જણાવ્યું છે કે યુદ્ધગ્રસ્ત ઈઝરાયલમાંથી અમેરિકન લોકોને ખસેડવા માટે જહાજ તૈયાર કર્યું છે. આ જહાજ ઈઝરાયલના હાઈફા પોર્ટ પરથી અમેરિકન નાગરિકો અને તેમના પરિવારના આવશ્યક સભ્યોને માન્ય ટ્રાવેલિંગના દસ્તાવેજો સાથે લઈને લિમાસોલ માટે રવાના થશે.
અમેરિકન પાસપોર્ટ રાખનારા હજારો લોકો ઈઝરાયલમાં રહે છે અને હમાસાના હુમલામાં અત્યાર સુધીમાં 29 લોકો માર્યા ગયા છે. પંદર લોકો ગુમ થયા છે, જે હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
અમેરિકન રાજદૂત દ્વારા જણાવાયું છે કે જહાજમાં કેટલા લોકોને જવામાં આવશે એ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ બોર્ડિંગનો સમય સવારે આઠ વાગ્યાથી શરુ થશે. દરેક પ્રવાસીને પ્રવાસનો ખર્ચ ચૂકવવાનો થશે તથા તેના અન્વયે કરારમાં હસ્તાક્ષર કરવાના થશે. દરેક નાગરિકે પોતાની પાસે ફક્ત સૂટકેસ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. સાયપ્રસ સુધી લઈ જવામાં આવ્યા પછી ત્યાંથી લોકોને ચાર્ટડ ફ્લાઈટની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
અમેરિકાએ પણ ઈઝરાયલને જાહેરમાં મદદ કરવાનું સમર્થન આપ્યું છે, ત્યારે પોતાના દેશના નાગરિકોની સુરક્ષા માટે પણ મહત્ત્વના પગલાં જાહેર કર્યાં છે. શનિવારે ગાઝા પટ્ટી અને ઈઝરાયલ બંને જગ્યાએ નાગરિકોની સુરક્ષા કરવાની અપીલ કરી છે.