પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરુઃ ઈમરાન ખાન પર જેલમાં અત્યાચાર મુદ્દે રાજકીય તણાવ, શરીફ બંધુઓ મેદાનમાં…

લાહોરઃ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. શાહબાઝ શરીફ નવાજ શરીફને મળવા પહોંચ્યા છે. પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ થોડી જ વારમાં અડિયાલા જેલ તરફ વિરોધ કૂચ કરશે. આ દરમિયાન ઈમરાન ખાનના બહેન નોરીન નિયાઝીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
નોરીન નિયાઝીએ દાવો કર્યો છે કે જેલમાં ઈમરાન ખાન પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે. ઈમરાનને કેદ-એ-તન્હાઈ (એકલતાની કેદ)માં રાખીને તેમના પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. સેના પ્રમુખ મુનીર ઈમરાન ખાન સાથે માત્ર કોઈ એક વ્યક્તિને મળવા દેશે તો પણ વાત બગડશે નહીં.
ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં ગાડીઓ સાથે અડિયાલા જેલ તરફ નીકળી ગયા છે. તેમની મુખ્ય માંગણી જેલમાં ઈમરાન સાથે તેમના પરિવારની મુલાકાત કરાવવાની છે. અહેવાલ મુજબ શાહબાઝ શરીફ તેમના ભાઈ નવાઝ શરીફને મળવા લાહોર પહોંચ્યા છે.
પાકિસ્તાની મીડિયા મુજબ નોટિફિકેશન આવે નહીં ત્યાં સુધીમાં ઈમરાન ખાનને કોઈ મળી શકશે નહીં. આસિમ મુનીરના CDF (ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી) નોટિફિકેશનને લઈને આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ મીટિંગમાં મુનીરના ભવિષ્ય પર નિર્ણય થવાની શક્યતા છે તેનું CDF નોટિફિકેશન જારી થશે કે નહીં તે સસ્પેન્સનો આજે અંત આવી શકે છે.
સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાની સેનામાં હાલમાં CDF આર્મીના વાઇસ ચીફ, સ્ટ્રેટેઝિક કમાન્ડના વડા અને ISI ચીફની પોસ્ટ પણ ખાલી છે. સ્ટ્રેટેજિક કમાન્ડના વડાની પોસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેની પાસે પાકિસ્તાનના અણુ બોમ્બની સુરક્ષાની જવાબદારી હોય છે.
ઉલ્લેખનીય છે કે રાવલપિંડીની અડિયાલા જેલમાં એક મહિનાથી બંધ ઈમરાન ખાનની કોઈ માહિતી નથી. પીટીઆઈના સાંસદો અને ધારાસભ્યો આજે અડિયાલા જેલ પર હલ્લાબોલ કરવા જઈ રહ્યા છે. આ માર્ચને કચડવા માટે મુનીરે ઠેર ઠેર સેના તૈનાત કરી દીધી છે.
ઈમરાનના સમર્થકો આજે મુલાકાત કરવા મક્કમ છે, પરંતુ મુનીર અને શાહબાઝ કોઈ પણ ભોગે આ મુલાકાત થવા દેવા માંગતા નથી. આ પરિસ્થિતિને જોતાં ઈસ્લામાબાદથી લઈને રાવલપિંડી સુધી આજે મોટું ઘર્ષણ થવાની શક્યતા છે અને પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.



