રામ મંદિરનો ટેબ્લો મુસ્લિમ વિરોધી! ન્યૂયોર્કની ઈન્ડિયા ડે પરેડ પહેલા વિવાદ
ન્યુયોર્ક: યુનાઈટેડ સ્ટેટ્સના ન્યૂ યોર્ક સિટીમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ઈન્ડિયા ડે પરેડ (India Day parade in new York)યોજવામાં આવે છે, આ વર્ષે 18 ઓગસ્ટના રોજ આ પરેડ યોજાવાની છે. એ પહેલા આ પરેડ વિવાદમાં સપડાઈ છે. પરેડમાં રામ મંદિરના ટેબ્લો(Ram Mandir tableau) ને સામેલ કરવામાં આવતા કેટલાક સંગઠનોએ વધો ઉઠાવ્યો છે, આ ટેબ્લોને મુસ્લિમ વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે. કેટલાક સંગઠનોએ ટેબ્લોને ઇવેન્ટમાંથી દૂર કરવા ન્યુ યોર્કના મેયર સમક્ષ રજૂઆત કરી છે.
યુ.એસ. સ્થિત કેટલાક સંગઠનોએ ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલને પત્ર લખ્યો છે, જેમાં રામ મંદિરના ટેબ્લોને મુસ્લિમ વિરોધી ગણાવ્યો છે અને કહ્યું છે કે આ ટેબ્લો અયોધ્યામાં મસ્જિદના હટાવવાની ઘટનાનો પ્રચાર કરે છે.
પત્ર પર હસ્તાક્ષર કરનારા જૂથોમાં અમેરિકન ઇસ્લામિક રિલેશન્સ કાઉન્સિલ, ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને હિંદુઝ ફોર હ્યુમન રાઇટ્સનો સમાવેશ થાય છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે “આ ફ્લોટની હાજરી કેટલાક જૂથોની હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારાને ભારતીય ઓળખ સાથે જોડવાની ચેષ્ટા દર્શાવે છે, પરંતુ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.”
અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ, જે આ ફ્લોટનું આયોજન કરી રહી છે, તેના જણવ્યા મુજબ તે હિંદુ ધર્મસ્થાનનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેનો હેતુ ભારતીય અને હિંદુ લોકોના દેવતાનો મહિમા કરવાનો છે.
ઇવેન્ટનું સંચાલન કરનાર ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિએશન્સે જણાવ્યું હતું કે પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવશે અને વિવિધ સમુદાયોના ફ્લોટ્સ દર્શાવવામાં આવશે.
ગત જાન્યુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા ખુબ પ્રચાર કરવામાં આવ્યો હતો. મંદિર જે સ્થળ પર બનાવવામાં આવ્યું છે એ સ્થળ પર લાંબા સમયથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદનું કારણ રહ્યું હતું. 1990ના દાયકાની શરૂઆતમાં હિંદુ કટ્ટરવાદી સંગઠનોએ આ સ્થળ પર ઉભેલી બાબરી મસ્જિદના માળખાને તોડી પાડ્યા બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં બંને તરફે મોટી જાનહાની થઇ હતી.