ભારતે કેનેડામાં બંધ કર્યા કૉન્સ્યુલેટ, કહી આ વાત
India Canada Relations: ભારત અને કેનેડાના સંબંધમાં તંગદિલી છે. આ દરમિયાન ભારતે મોટો ફેંસલો લેતાં કેનેડામાં કેટલાક કૉન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) બંધ કર્યા છે. 2 અને 3 નવેમ્બરે કેનેડાના બ્રામ્પટન અને સરેમાં બે કૉન્સુલેટ પર ખાલિસ્તાની સમર્થકોએ કરેલા હુમલા બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો. આ કૉન્સ્યુલેટને કેનેડાની સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવતી નહોતી.
ટૉરેન્ટોમાં ભારતીય કૉન્સ્યુલ જનરલ તરફથી સોશિયલ મીડિયા એક્સ પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, કેનેડાની સુરક્ષા એજન્સીઓ દ્વારા ન્યૂનતમ સુરક્ષા આપવામાં પોતાની અસમર્થતા જાહેર કરવાને ધ્યાનમાં રાખીને કેટલાક વાણિજ્ય દૂતાવાસ (કૉન્સ્યુલેટ) બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, તમે ટોરોન્ટોમાં આપણા કૉન્સ્યુલેટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મેસેજને જોયો હશે. જેમાં તેમણે લખ્યું કે, સપ્તાહના અંતમાં કેમ્પનું આયોજન તેમણે રદ્દ કરવું પડ્યું છે. તેમને સરકાર તરફથી પૂરતી સુરક્ષા અથવા સુરક્ષાની ખાતરી મળી નથી. કેનેડામાં અમારી પાસે એક વિશાળ ડાયસ્પોરા છે, ખાસ કરીને નવેમ્બર, ડિસેમ્બરની આસપાસ, તેઓને અહીં ભારતમાં તેમના પેન્શન અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ માટે ઘણા દસ્તાવેજોની જરૂર છે હોય છે. સુરક્ષાના કારણોસર હવે વાનકુવરમાં આ કોન્સ્યુલર કેમ્પ યોજવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ભારત કેનેડા સરકાર પાસેથી તેના નાગરિકો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપેક્ષા રાખે છે અને આવી ઘટનાઓનો સખત વિરોધ કરે છે.
આ પણ વાંચો : શું ટ્રમ્પ સરકાર ભારત સાથે કરશે આ મોટી ડિફેન્સ ડીલ?
ખાલિસ્તાની સંગઠન સિખ ફૉર જસ્ટિસે કહ્યું કે, તેમના સમર્થક ભારતીય કૉન્સ્યુલેટ અધિકારીઓની ઉપસ્થિતિનો વિરોધ કરતા હતા. ભારતીય એમ્બેસી કેનેડિયન-ભારતીય લોકોને જરૂરી સેવાઓ આપતા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. વેનકુંવરમાં 3 નવેમ્બરે સરેના લક્ષ્મી નારાયણ મંદિરમાં આયોજિત એક કૉન્સૂલર કેમ્પમાં ભારતીય પ્રવાસીઓ અને પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર આપવામાં આવતા હતા ત્યારે આ ઘટના બની હતી.
ખાલિસ્તાની સમર્થકો ઘણા સક્રિય થઈ ગયા છે તેવા જ સમયે કનેડાની સુરક્ષા એજન્સી દ્વારા ન્યૂનતમ સુરક્ષા આપવાની ના પાડવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થકો ભારતીય મૂળના સમર્થકો અને ભારત સાથે જોડાયેલા સંગઠનોને ખુલ્લી ધમકી આપી રહ્યા છે તો કેટલીક જગ્યાએ હુમલા પણ કરી રહ્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો દ્વારા પણ ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરવામાં આવી છે.